અમરેલી, તા.૬
અમરેલીમાં આજે પાટીદાર નેતા હાર્દિક પટેલનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શો દરમિયાન લાખો પાટીદાર યુવાનો બાઈક અને વાહનો સાથે રોડ-શોમાં જોડાયા હતા. જેમાં નરેન્દ્ર મોદી સામે નારાઓ લગાવ્યા હતા. જેમાં ‘દેખો દેખો કોન આયા, નરેન્દ્ર મોદી તેરા બાપ આયા’ જેવા નારાઓ લગાવ્યા હતા. રોડ-શોમાં પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. હાર્દિક પટેલ પ્રથમ વખત જ અમરેલીમાં આવતા તેના રોડ-શોમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. હાર્દિક પટેલનો રોડ-શોને લઇ શહેરમાં ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા અને ઠેર-ઠેર વાહનોના થપ્પા લાગી ગયા હતા. અમરેલીમાં હાર્દિક પટેલને જોવા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાર્દિકનો રોડ-શો જોઈ ભાજપના નેતાઓમાં ચિંતાનું વાતાવરણ છવાયું હતું.
હાર્દિક પટેલનું અમરેલીના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું
અમરેલીમાં આજે હાર્દિક પટેલનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. અમરેલીમાં હાર્દિક પટેલના રોડ-શો દરમિયાન રૂપમ ચોક ખાતેથી હાર્દિકનો કાફલો પસાર થતાં ત્યાં મુસ્લિમ યુવાનોએ હાર્દિકને ફૂલહાર કરી તેમજ મોમેન્ટો આપી ભવ્ય સન્માન કર્યું હતું. સન્માન બાદ મુસ્લિમ યુવાનો સાથે મળી હાર્દિક ફોરવર્ડ સ્કૂલ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પોતાનો રોડ-શો આગળ વધાવી કામનાથ ખાતે એક જાહેરસભા યોજી હતી.