(એજન્સી) સીઓલ, તા.૬
ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ સર્વોચ્ચ સપાટી ઉપર છે. બન્ને દેશો એકબીજાને સતત ધમકીઓ આપી રહ્યા છે. જેના કારણે કોરિયા ટાપુમાં તંગદિલી વધતી જાય છે. ઉત્તર કોરિયા ઉપર દબાણ ઊભું કરવા અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધર્યું છે. બુધવારે આ અભ્યાસમાં અમેરિકાના બી-૧બી બોમ્બ વર્ષક પણ સામેલ થયા હતા. જેના લીધે ઉત્તર કોરિયા સમસમી ગયું છે અને એના ગંભીર પરિણામની ધમકીઓ આપી રહ્યું છે. આ અભ્યાસની તીવ્ર પ્રતિક્રિયા આપતા ઉત્તર કોરિયાએ જણાવ્યું કે આ કૃત્ય પરમાણુ યુદ્ધ તરફ ધકેલશે. અમેરિકાના બોમ્બે વર્ષકોએ ગુઆમ ક્ષેત્રમાં ઉડ્ડયનો ભર્યા હતા. શુક્રવાર સુધી ચાલનાર અભ્યાસમાં અમેરિકા એફ-રર અને એફ-૩પ સ્ટિલ્થ ફાઈટરો પણ ભાગ લઈ રહ્યા છે. ઉત્તર અમેરિકાના મિસાઈલ પરીક્ષણ પછી આ યુદ્ધ અભ્યાસ હાથ ધરાયું છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે, એના મિસાઈલો અમેરિકા સુધી પહોંચવા સક્ષમ છે. ચીને આ બાબતે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે બન્ને દેશોએ સંયમ રાખવું જોઈએ. અમને આશા છે કે, બન્ને દેશો એવું કંઈક કરશે નહીં. જેથી કોરિયાઈ ટાપુ ઉપર તંગદિલીમાં વધારો થાય. નોંધનીય છે કે ઉત્તર કોરિયા સતત અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે. યુદ્ધ અભ્યાસને ઉત્તર કોરિયાએ ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે. ગયા રવિવારે અમેરિકાના રિપબ્લિકન સાંસદે પેંટાગોનને અમેરિકા સૈન્યના કુટુંબીજનોને દક્ષિણ કોરિયાથી પાછું બોલાવવાની વિનંતી કરી હતી. એમણે કહ્યું કે દક્ષિણ કોરિયા સાથે સંઘર્ષથી તકો વધતી જાય છે. દરમિયાનમાં ચીન અને રશિયાએ મધ્યસ્થીના પ્રયાસો કર્યા છે અને ઉત્તર કોરિયાને પરમાણુ કાર્યક્રમ સ્થગિત કરવા કહ્યું છે.