(એજન્સી) તા.૮
લેબેનોનની પ્રતિકાર ચળવળના મહાસચિવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરૂસલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે જાહેર કરવાના નિર્ણયને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે આ નિર્ણય કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન કયુર્ં છે. એક ટેલિવિઝન મીડિયાને સંબોધતાં લેબેનોનમાં સૈયદ નસરલ્લાહે કહ્યું કે પેલેસ્ટીની નાગરિકોના મકાનો, જમીનો, અધિકારો ગાર્ડન વગેરે તમામ પ્રકારની કિંમતી વસ્તુઓ પર કબજો જમાવતાં ઇઝરાયેલને રોકવાને બદલે અમેરિકાએ તેને વધુ કિંમતી ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકા બેવડું વલણ અપનાવી રહ્યું છે. તે બંને દેશો વચ્ચે શાંતિવાર્તા યોજવા માટેનો દેખાડો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિનો આ નિર્ણય ઇઝરાયેલને ગ્રેટર જેરૂસલેમની સ્થાપના કરવા પ્રોત્સાહિત કરનારું છે અને ઇઝરાયેલ હવે વેસ્ટ બેન્ક તરફ આગળ વધશે અને અહીંના મોટાભાગના વિસ્તારોને કબજે કરવાનો પ્રયાસ કરશે. નસરલ્લાહે ટ્રમ્પની ટીકા કરતાં કહ્યું કે જેરૂસલેમ જેવા પવિત્ર શહેરમાં મુસ્લિમો સહિત ખ્રિસ્તીઓ પણ વસે છે અને અમેરિકાએ આ દરમિયાન યહૂદીઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે જેના કારણે મુસ્લિમો સામે મોટો પડકાર ઊભો થયો છે. ખાસ કરીને પવિત્ર અલ અક્સા મસ્જિદને બચાવવાનો. કારણે કે ઇઝરાયેલ લાંબા સમયથી પવિત્ર અલ અક્સા મસ્જિદના ઐતિહાસિક દરજ્જાને બદલી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. અગાઉ પણ આ મામલે ઇઝરાયેલીઓ અને પેલેસ્ટીની નાગરિકો વચ્ચે જોરદાર અથડામણો સર્જાઇ ચુકી છે અને ઇઝરાયેલીઓ ઘૂંટણીયે આવી ચૂક્યા છે. હિઝબુલ્લાહના વડાએ કહ્યું કે જેરૂસલેમનો મુદ્દો પેલેસ્ટીની નાગરિકો માટે મહત્વનો મુદ્દો છે. તેમણે કહ્યું કે જો જેરૂસલેમને ઇઝરાયેલને સોંપી દેવાશે તો તમામ પ્રકારની શાંતિવાર્તાઓ નકામી બની જશે. કોઇ વાટાઘાટો આગળ નહીં વધે. તેમણે કહ્યું કે હજુ પણ મુસ્લિમોએ જાગવાની જરુર છે. જો તેઓ વિરોધ નહીં કરે તો ભવિષ્યમાં કબજા હેઠળના અન્ય વિસ્તારો જેવા કે વેસ્ટ બેન્ક, લેબેનોનો દક્ષિણ પટ્ટો તથા ગોલન હાઇટ્સ જેવા વિસ્તારો વિરુદ્ધ પણ આવા જ પગલાં ભરવામાં આવશે અને તમે કંઇ નહીં કરી શકો. મુસ્લિમોનું મૌન શત્રુઓની તાકાત વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલીઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું માન રાખતા નથી. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા વિરોધને પણ નજરઅંદાજ કરી રહ્યાં છે. કારણ કે અમેરિકાનું પક્ષ જ મહત્વ ધરાવે છે. નસરલ્લાહે કહ્યું કે આ દુનિયાભરના મુસ્લિમો સહિત ખ્રિસ્તીઓનું અપમાન છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓની અવગણના કરી નાખી છે. તમામ વૈશ્વિક સમુદાયે તેની વિરુદ્ધ પગલાં ભરવા જ જોઇએ. તેમણે કહ્યું કે તમામ મુસ્લિમોએ એક થઇને એવો વિરોધ કરવો જોઇએ અને એવો અવાજ ઊઠાવવો જોઈએ જેના પડખા વ્હાઇટ હાઉસમાં પડે.