નવીદિલ્હી,તા. ૧૯
ગુજરાત વિધાનસભામાં ભાજપને બહુમતિ મળ્યા બાદ પણ પક્ષને રાજ્યસભાની દ્રષ્ટિએ નુકસાન થઇ શકે છે. આગામી વર્ષે માર્ચ માસમાં સંસદના ઉપલા સદનમાં ૫૦ નવા સભ્યો દેશના ૧૪ રાજ્યોમાંથી ચૂંટી કાઢવામાં આવશે જેમાં ચાર સીટ રાજ્યસભાની ગુજરાતના ક્વોટાની છે. ગુજરાતમાં ૯૯ સીટો સાથે બહુમતિ મેળવનાર ભાજપને હવે ચાર બેઠકોમાંથી બે બેઠકો મળી શકે છે. બાકીની બે બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. ૧૮૨ બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ચાર બેઠક રાજ્યસભાની ફાળવવામાં આવી છે. જેમાં ૩૬ ધારાસભ્યોની સામે એક બેઠકનો સમાવેશ થાય છે. ભાજપના સોમવારે ૯૯ ધારાસભ્યો ચૂંટાયા છે જ્યારે કોંગ્રેસના ૮૦ ધારાસભ્યો ચૂંટાયા છે. આ ગણતરીના આધારે બંને પક્ષોને રાજ્યસભાની બે-બે સીટ મળવા જઈ રહી છે. રાજ્યસભાની ચાર બેઠકો ઉપર ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલા ચારેય પ્રતિનિધિઓ વર્ષ ૨૦૧૮માં નિવૃત્ત થઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં એપ્રિલમાં ભાજપના ચાર રાજ્યસભાના સાંસદ પોતાનું સત્ર પુરુ કરી રિટાયર્ડ થશે જેમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી અરુણ જેટલી ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકરભાઈ વેગાડનો સમાવેશ થાય છે. હાલ રાજ્યસભામાં ગુજરાતના કુલ ૧૧ સાંસદ છે. આ સાંસદો પૈકી નવ ભાજપના છે. આગામી વર્ષે થનારી ચૂંટણીમાં આ સંખ્યા ઘટીને સાત થઇ જશે. રાજ્યસભામાં ગુજરાતથી ભાજપના સાંસદોની સંખ્યા ઘટવાથી ભાજપને કોઇ ખાસ અસર નહીં પડે પરંતુ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સીટ બેઠકો વધી છે જેના કારણે રાજ્યસભામાં પણ ભાજપના સાંસદોની સંખ્યા વધવાની છે. મહારાષ્ટ્રથી બે બેઠકો અને ઉત્તર પ્રદેશથી ભાજપને સાત બેઠકો રાજ્યસભામાં મળવાની છે. આગામી વર્ષે રાજ્યસભામાં એનડીએના સાંસદની સંખ્યા ૮૪થી વધી ૧૦૦ સુધી પહોંચશે.