(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૫
ગોધરા શહેરના સંવેદનશીલ કહેવાતા ખાડી ફળિયામાં ગુરૂવારની મોડીરાત્રે મોટરસાઈકલો ચલાવવા બાબતમાં બે જૂથો વચ્ચે પથ્થરમારામાં પાંચ જેટલા વાહનોની તોડફોડ કરતા શહેર પોલીસનો કાફલો ખાડી ફળિયામાં પહોંચી જઈને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગુરૂવારની મોડી રાત્રે ખાડી ફળિયા સ્થિત આવેલા સિંદુરી માતા મંદિરની રસ્તાની અવર જવર વચ્ચે મોટર સાઇકલ ચાલકોને આંતરીને ઠપકો આપવા સાથે જોત જોતામાં બન્ને જૂથોના ટોળાઓ આમને સામને આવી જઈને હથિયારો સાથે હુમલો શરૂ કર્યો હતો. આ સાથે જોરદાર પથ્થરમારો શરૂ કરાતા બન્ને જૂથોના હુમલાખોરો અંદરો અંદર ઘાયલ થયા હતા. આ જૂથ અથડામણમાં પાંચ જેટલા વાહનોને પણ નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી હતી. સંવેદનશીલ કહેવાતા ખાડી ફળિયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે સર્જાયેલા ગંભીર અથડામણ સાથે શહેર પોલીસ તંત્ર સમેત પોલીસ વડાના તાબા હેઠળના એસઓજી, એલસીબી કચેરીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી જઈને જોતજોતામાં સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ગુરૂવારની મોડી રાત્રિ જૂથ અથડામણ અંગે શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદો દાખલ કરીને ચાર જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.