જામનગર, તા.૯
જામનગરમાં ચાઈનીઝ દોરા, માંઝા તથા ચાઈનીઝ તુક્કલ વેચવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા એસઓજીએ ત્રણ વેપારીઓને કુલ ૧૦૨ ફીરકીઓ સાથે પકડી તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. જામનગર સ્પે. ઓપરેશન ગ્રુપ દ્વારા જુદા જુદા ત્રણ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. નગરના પટેલ કોલોની વિસ્તાર પાસે આવેલા વિકાસગૃહ રોડ પર શ્રીજી સિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા સંજય અમૃતલાલ સોનૈયાને ત્યાં એસઓજીએ ચકાસણી કરતા ત્યાંથી પ્લાસ્ટિકની દોરીવાળી તેત્રીસ ફીરકીઓ તેમજ યુસુફ માંઝા મેકર નામના માર્કાવાળી પ્લાસ્ટિકની દોરીવાળી અઢાર પ્રતિબંધિત ફીરકીઓ મળી આવતા કુલ એકાવન ફીરકીઓ કબજે કરી આ વેપારી સામે સિટી-બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત દરોડા પછી જામનગરના લંઘાવાડના ઢાળિયા પાસે આવેલી અપના સિઝન સ્ટોર નામની દુકાનમાં ચેકીંગ કરાતા ત્યાંથી પણ પ્લાસ્ટિકની દોરીવાળી પિસ્તાલીસ ફીરકી મળી આવી હતી. આ દુકાનના સંચાલક અબ્દુલગફાર અબ્દુલમજીદ લાકડાવાળા સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને નગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી બંસી ટેઈલર નામની દુકાન પાસેથી આદર્શ જયેશભાઈ રાઠોડ નામના વેપારીને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરીવાળી છ ફીરકીઓ સાથે ઝડપી લઈ તેની સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.