નવસારી, તા.રર
નવસારી જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સો ટકાએ લઈ જઈને મહિલાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે શિક્ષણ સાથે આરોગ્ય, સ્વરોજગારી જેવી સુવિધાઓ મળે તે માટે નવસારી કલેક્ટર રવિકુમાર અરોરાએ શરૂ કરેલા “નવનારી એક અભિયાન”ને જિલ્લામાં ખૂબ જ સારી સફળતા મળી છે. આ પ્રોજેક્ટને દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સમારોહમાં કલેક્ટર રવિકુમાર અરોરાને અજય ટમટા દ્વારા અગ્રસચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં કીગા સુમિત-ર૦૧૮ અબ્દુલ કલામ ગવર્નન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે શ્રી જનપાલસિંહ પણ ઉપસ્થિત હતા.
નવસારી અભિયાનના નવતર પ્રયોગનો અભ્યાસ કરવા ઉત્તરપ્રદેશ વારાણસીના કલેક્ટર યોગેશ્વર રામ મિશ્ર તા.ર૩ના રોજ નવસારી જિલ્લામાં ચાલતા વિવિધ વર્ગોની મુલાકાત લેશે.
નવસારી કલેક્ટર રવિકુમાર ઓરારાએ એવોર્ડ માટે નવસારી એક અભિયાનમાં જોડાયેલા અભિયાનમાં તમામ અધિકારીઓને ભાગીદાર ગણ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનના કારણે ખાસ કરીને અંતરિયાળ વાંસદા તાલુકાના નિરપણ, માનકુનિયા જેવા ગામોની મહિલાઓ સાક્ષર બની છે. તેઓના આરોગ્યની ચકાસણી સાથે બેંક એકાઉન્ટ અને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ આવરી લઈને ન્યુ ઈન્ડિયા નિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યમાં ભાગીદાર બનાવી છે.
નવસારી જિલ્લામાં મહિલાઓમાં સાક્ષરતા દર ઓછો છે, એવા ગામોને પસંદ કરીને મહિલાઓને સાક્ષર બનાવવા નવસારી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ર૦૭ ગામોમાં પપ૩ જેટલા વર્ગો પૂર્ણ કરીને ૧૪૯૯૯ મહિલાઓને સાક્ષર કરવામાં આવી છે. સાક્ષર થયેલી મહિલાઓના ર૦૦પ જેટલા બેંક ખાતાઓ પણ ખોલવામાં આવ્યા છે. સાક્ષર થયેલી મહિલાઓને ગેસ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકારને ઉજ્જવલા ગેસ કનેક્શન યોજના અને લોકસહયોગ વડે પપ૯૩ સાક્ષર થયેલી મહિલાઓને વિનામૂલ્યે ગેસ કનેકશન પૂરા પાડવામાં આવ્યા છે.
નવનારી એક અભિયાન હેઠળ વર્ષ ર૦૧૮માં પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓને દરરોજ બે કલાક એમ ૩૦ દિવસ સુધી સમાજ જીવનને અનુરૂપ શિક્ષણ આપીને સાક્ષર બનાવવામાં આવે છે. અભિયાન હેઠળ સાક્ષર બનેલી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાથી મુક્તિ મળવાની સાથે આરોગ્ય સેવાઓ તરફ વધુ ધ્યાન આપી રહી છે.