અમદાવાદ, તા.૩૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મકતમપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર હાજીભાઈ મિરઝાએ પાણીનો પ્રશ્ન ઉઠાવી અધ્યક્ષ મેયરને જણાવ્યું હતું કે વિશાલા બરફની ફેક્ટરી પાસે પાણીનો બોર તૈયાર હોવા છતાં ચાલુ કરાતો નથી તમે આ વિસ્તારમાં પાંચ વાર રાઉન્ડ લીધો હોવા છતાં બોર ચાલુ કરવામાં આવતો નથી. એમ જણાવી તમે લઘુમતી (જૈન) હોવા છતા લઘુમતિઓનું દર્દ સમજી શકતા નથી? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે ગ્યાસપુર ખાતે સરકારી જમીનમાં જે મકાનો બંધાયા છે તેની આકારણી કરી ટેક્ષ ચાલુ કરવા અને પ્રાથમિક સુવિધા આપવા, વિશાલા સર્કલથી સાણંદ સુધીનો ઓવરબ્રીજ બનાવવા અને જરૂર પડ્યે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાર્તાલાપ કરવા, ગોલ્ડન નાળાનો નિકાલ કરવા, મુસ્કાન ગાર્ડન ખાતે જે ટાંકી બનાવાઈ છે ત્યાં યાંત્રિક ખામી સર્જાય તો વધારાનો બોર બનાવવા જેવી રજૂઆત કરી હતી.