અમદાવાદ,તા.૧
રાજ્યભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી પડતી કડકડતી ઠંડીમાં ઘટાડો થયો છે. જયારે લઘુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતા બુધવારના દિવસે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો જયારે કેટલાય દિવસથી બંધ પંખા, એ.સી. ચાલુ કરવાની ફરજ પડી હતી. જયારે ઈડરમાં મહત્તમ તાપમાનનો પારો ૩પ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તેમજ અન્ય અનેક સ્થળોએ પણ મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીની નજીક જોવા મળ્યો હતો. રાજ્યભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. જેને લઈને લોકોએ ઉત્તરાયણ બાદ મૂકી દીધેલા ગરમ વસ્ત્રો બહાર કાઢવાની ફરજ પડી હતી. જો કે એકાદ સપ્તાહ બાદ આજે ફરીવાર ઠંડીમાં ઘટાડો થયો હતો જયારે ઉનાળાની શરૂઆત થઈ હોય તેમ ગરમી જોવા મળી હતી. બપોરના અને સાંજના સમયે લોકોએ પંખા અને એ.સી. ચાલુ કર્યા હતા. જયારે રાજયમાં અનેક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં વધારાની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતા ઉત્તરોત્તર ગરમી વધશે જયારે આજે અમદાવાદ, ઈડર, વડોદરા, સુરત, અમરેલી, ભાવનગર સહિતના અનેક સ્થળોએ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીની નજીક જોવા મળ્યું હતું ત્યારે હવામાન વિભાગના સૂત્રો મુજબ વાતાવરણમાં કોઈ બદલાવ ન આવે તો હવે ઠંડી વધવાની કોઈ શકયતાઓ જણાતી નથી.