અમદાવાદ,તા. ૧૨
શહેરના બોપલ વિસ્તારમાં ઘુમા ગામમાં રહેતી એક પરિણિતાએ પારિવારિક તકરારમાં મનમાં લાગી આવતાં પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ બોપલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મરનાર અનિતાબહેન અલગ રહેવા જવાના ઝઘડાથી કંટાળીને આત્મહત્યાનું પગલુ ભર્યું હોઇ શકે. પોલીસે પરિવારજનોના નિવેદન લઇ આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં ઘુમા ગામ ખાતે આકૃતિ રેસીડેન્સીમાં વિજયભાઇ જેઠવા તેમના ભાઇ નીલેશભાઇ અને ભાભી અનિતાબહેન તથા તેમના પરિવાર સાથે રહે છે. જો કે, બંને ભાઇઓની પત્નીઓ એટલે કે, દેરાણી-જેઠાણી વચ્ચે ઘરમાં એકસાથે રહેવાને લઇ મનમોટાવ ચાલ્યો આવતો હતો અને અવારનવાર અલગ રહેવાના મુદ્દે તકરાર પણ થતી રહેતી હતી. ગઇકાલે અનિતાબહેનની પુત્રી રડતી હોવાથી ઘરના મોભી એવા બા અનિતાબહેનને બોલાવવા ઉપરના માળે ગયા ત્યારે તેઓ રૂમનું દ્રશ્ય જોઇ ચોંકી ઉઠયા હતા અને બૂમાબૂમ કરવા માંડયા હતા. વિજયભાઇ ઘેર જ હોવાથી ચીસાચીસ સાંભળી તરત જ ઉપરના રૂમમાં પહોંચ્યા અને જોયું તો, અનિતાબહેને ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી વિજયભાઇ તરત જ તેમના ભાભીને લઇ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ બોપલ પોલીસને થતાં પોલીસ સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલામાં જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ અનિતાબહેનની આત્મહત્યા પાછળ પારિવારિક તકરાર ખાસ કરીને અલગ રહેવા બાબતે થતા ઝઘડાથી કંટાળીને મનમાં લાગી આવતાં તેમણે આત્મહત્યાનું અંતિમ પગલુ ભર્યુ હોવાની વાત સામે આવી હતી. જો કે, પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.