અમદાવાદ,તા.૧૧
ધો.૧ર સાયન્સની બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુરૂવારે જાહેર થયું છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પણ મેદાન મારી લીધુ છે. આવી જ તેજસ્વી વિદ્યાર્થિનીઓ સહિતના બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ અને તેના માટે તેમણે કરેલા પરિશ્રમની ઝાંખી કરાવીએ.
૯૯.પર પર્સન્ટાઈલ સાથે એ-૧ ગ્રેડ હાંસલ કરનારી ફરહાનાને ડૉક્ટર બનવાની ઈચ્છા
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારે ધો.૧ર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના એક રિક્ષા ચાલકની દીકરી બાવાણી ફરહાનાએ એ-૧ ગ્રેડથી ઝળહળતી સફળતા હાંસલ કરી છે. જમાલપુરની એફ.ડી. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની બાવાણી ફરહાના ફારૂકભાઈએ ધો.૧ર સાયન્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.પર પર્સન્ટાઈલ મેળવી જવલંત સફળતા મેળવવા મુદ્દે વાતચીતમાં જણાવ્યું હતું કે, દરરોજના કલાકો બેસીને વાંચન કરતી હતી. મારી મહેનતનું આ ફળ છે. જો કે, નીટની પરીક્ષામાં ફિઝિક્સનું ટ્રાન્સલેશન થોડું ચેન્જ થયેલું હતું. એટલે તકલીફ પડી છે. એટલે સરકારે પણ આ નીટની પરીક્ષા મુદ્દે અલગથી મેરિટ બહાર પાડે તેવી મારી માંગ છે. જો કે, નીટમાં મારું સારું પરિણામ ના આવે તો આ બોર્ડની પરીક્ષાના પરિણામનો કોઈ મતલબ જ રહેતો નથી. તેના લીધે મારું એમબીબીએસ થવાનું સપનું ચૂરચૂર થઈ જશે. ફરહાનાના પિતા ફારૂકભાઈએ પણ દીકરીના સૂરમાં સૂર પુરાવતા નીટનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મારી દીકરીએ ધો.૧૧ અને ૧રમાં કરેલી મહેનતનો રંગ બોર્ડની પરીક્ષામાં પરિણામમાં જોવા મળી રહ્યો છે. પરંતુ નીટની પરીક્ષાના અઘરા પેપરોના લીધે મારી દીકરીનું પરિણામ ખરાબ આવશે તો તેનું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થશે નહીં. ત્યારે નીટ મુદ્દે સરકારે રાજ્યના બાળકો માટે અલગથી મેરિટ બનાવવું જોઈએ.
સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદના શાહેઆલમ વિસ્તારમાં રહેતી શેખ સાયમાની તો તેણે ધો.૧ર સાયન્સની પરીક્ષામાં ૯૭.૦૭ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડ હાંસલ કરી સફળતા મેળવી છે. અત્તર વેચનારાની દીકરીએ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી સફળતાની મહેક પ્રસરાવી છે. તેણીએ હવે ન્યુરોલોજીસ્ટ ડોકટર બનવાની ઈચ્છા વ્યકત કરી છે. આ અંગે શેખ સાયમા મોહંમદ રફીકે જણાવ્યું હતું કે મારા મમ્મી-પપ્પાનું સપનું હતું કે હું ડોકટર બનું એટલે હું શરૂઆતથી જ મહેનત કરતી હતી. દરરોજ ૮થી ૧૦ કલાક વાંચન કરતી હતી. તેના ફળસ્વરૂપે આજે આ પરિણામ આવ્યું છે. વધુ અભ્યાસ કરવા અંગે સાયમાએ ન્યુરોલોજીસ્ટ બનવાની ઈચ્છા વ્યકત કરી હતી. સાયમાના પિતા મોહંમદ રફીકે જણાવ્યું હતું કે કાયદાની ફેકટરીમાં હેલ્પરનું કામ કર્યા બાદ અત્તરની લારી લગાવીને થતી આવકથી ઘરનું ગુજરાન ચલાવું છું. ત્યારે બચત કરીને દીકરીને આટલે સુધી ભણાવી છે હવે જરૂર પડશે તો દેવું કરીને પણ દીકરીને ડોકટર તો બનાવીશ જ. એવો વિશ્વાસ મોહંમદ રફીકે વ્યકત કર્યો હતો.
મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની શેખ આરેફાખાતુન મો. યાકુબએ ધો.૧ર સાયન્સની પરીક્ષામાં ૯૭.૬૬ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી જવલંત સફળતા મેળવી છે. સફળતાના ફંડા અંગે આરેફાખાતુને જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળતા મેળવવા દરરોજ ૬ કલાક વાંચન કરતી હતી. જો કે પાઠયપુસ્તકો ઉપર જ વધારે ધ્યાન આપ્યું હતું પરીક્ષા દરમ્યાન બાયોલોજીનું પેપર ખૂબ લાંબુ લાગ્યું હતું. પરંતુ તે જ પેપરમાં ૯ર માર્કસ આવ્યા છે. વધુમાં અભ્યાસ કરવા અંગે આરેફાખાતુને જણાવ્યું હતું કે મારે પણ મારા ભાઈની જેમ એમબીબીએસ કરીને ડોકટર બનવું છે. એટલે તે જ દિશાથી આગળ વધીશ. તેમજ ડોકટર બન્યા બાદ ગરીબ દર્દીઓને માટે સેવા કરવાની તીવ્ર ઈચ્છા છે. પિતા યાકુબભાઈએ જણાવ્યું હતું કે અમે પતિ-પત્ની શિક્ષક છીએ. તેમ છતાંય બાળકોના અભ્યાસ માટે સમય કાઢીએ છીએ. અમે દીકરો કે દીકરીમાં ભેદભાવ રાખતા નથી. મારો દીકરો એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણે છે. ત્યારે હવે દીકરી પણ એમબીબીએસ કરવાનું વિચારે છે તેને પણ દીકરા જેટલો જ સપોર્ટ કરીશું.
બોર્ડની પરીક્ષામાં નવા વાડજની સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થી શાહ કુશલ ધર્મેશભાઈએ ૯૯.રપ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી સફળતા હાંસલ કરી હતી. સફળતાના ફંડા અંગે કુશલે જણાવ્યું હતું કે દરરોજ ૧૦ કલાક વાંચન કરતો હતો. હાર્ડવર્ક એકાગ્રતા અને પૂર્વ આયોજન સાથે પરીક્ષાની તૈયારી કરીએ તો ધારી સફળતા મેળવી શકાય છે. વધુ અભ્યાસ કરવા અંગે કુશલે આઈસીટી કોર્સ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.