(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
ખંભાત શહેરમાં પ્રેસ રોડ પર આંબેડકર સ્ટેચ્યુ સામે સુપર માર્કેટ શોપિંગ સેન્ટરની સામે કોેલેજના છોકરાઓએ આવી રંગ છાંટી ધૂળેટી રમતા તેઓને મુસ્લિમ વેપારીએ દુકાનથી થોડે દૂર થઈ રંગો રમવા જણાવતા ખંભાતની શ્રીરામ સેનાના પ્રમુખ અને કાર્યકરો સાથે પાંચ જેટલા યુવકોએ ૨૦૦થી વધુ લોકોના ટોળાને બોલાવી આંતક મચાવી દુકાનમાં ફર્નિચરની તોડફોડ કરી તેમજ ે ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલા વેપારીઓને પણ લોંખડની પાઈપો અને લાકડીઓ વડે મારમારી તેમજ પોલીસને પણ ખંભાત ભડકે બાળવાની ધમકીઓ આપતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી પ્રસરી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસે બંને કોમના ૧૧ આરોપીઓ વિરૂદ્ધ સામસામે ગુનો નોંધી તેમજ પ આરોપીઓ વિરૂદ્ધ પોલીસે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ખંભાત પ્રેસ રોડ ઉપર આંબેડકર સ્ટેચ્યુ સામે સુપર માર્કેટ શોપિંગ સેન્ટરમાં તોફીક ઉસ્માનગની વ્હોરાની સુકુન સેલ્સ નામની ફર્નિચરની દુકાન આવેલી છે. બપોરે ૧ વાગ્યાના સુમારે તેઓની દુકાન સામે ખંભાતની શ્રીરામ સેનાનો પ્રમુખ જયવીર જોષી, પાર્થ રાવળ, ઉત્સકર્ષ પુરાણી સહિતના યુવાનો ઈરાદાપૂર્વક દુકાન પાસે આવી રંગ રમતા હતા. જેથી તોફીકભાઈએ તેઓને કહ્યું હતું કે, દુકાનના સામાન પર રંગ પડશે તો નુકસાન થશે. જેથી તમે થોડે દૂર જઈ રંગ રમો આમ કહેતા શ્રીરામ સેનાનો પ્રમુખ જયવીર જોષી અને તેની સાથેના સેનાના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને તોફીકભાઈને ગાળો બોલી ગડદાપાટુનો મારમારી અને સામાનની તોડફોડ કરી હતી તેમજ લાકડાના દંડા લઈ આવી દુકાનમાં ઘૂસી ગયા હતા. આ સમયે આસપાસના વેપારીઓ દોડી આવતાં તેઓએ જયવીર જોષી સહિત પાંચેય યુવાનોને સમજાવી દુકાનમાંથી બહાર કાઢવા જતાં જયવીર અને તેની સાથેના કાર્યકરોએ તોફીકભાઈ સાથે ઝપાઝપી કરી દુકાનના ૧પ૦૦ રૂા.ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે ખંભાત સિટી પોલીસે તોફીકભાઈ ઉસ્માનભાઈ વ્હોરાની ફરિયાદના આધારે જયવીરભાઈ જોષી, પાર્થ વિજયભાઈ રાવળ, ઉત્કર્ષ પુરાણી, રાહુલ રાવળ સહિત પાંચ જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે સામાપક્ષે જયવીરભાઈ જયરાજભાઈ જોષીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના મિત્ર પાર્થ અને ઉત્કર્ષ સાથે લાલ દરવાજાથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં સુપરમાર્કેટ શોપિંગ સેન્ટરમાં ફર્નિચરનો વેપાર કરતા તોફીકભાઈ વ્હોરાના કોઈ છોકરા સાથે રંગ છાંટવા બાબતે ઝઘડો થયો હતો. જેથી તેઓએ વચ્ચે પડી તોફીકભાઈને ઝઘડો નહીં કરવા જણાવતા તોફીકભાઈ સહિત છ જણાએ ઉશ્કેરાઈ જઈ જયવીર અને પાર્થ તથા ઉત્કર્ષ સહિત ત્રણેય જણાંને મારમારી લોખંડની પાઈપો અને ડાંગો લઈ આવી ગાળો બોલી મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખીસ્સામાંથી ર૦૦૦ રૂા. કાઢી લઈ લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે જયવીરભાઈ જયરાજભાઈ જોષીએ ખંભાત સટી પોલીસ મથકે તોફીકભાઈ વ્હોરા, માજીદભાઈ મન્સુરી, ઈરફાનભાઈ વ્હોરા, મોહસીનભાઈ વ્હોરા, મતીનભાઈ વ્હોરા, સકીલભાઈ વ્હોરા સહિત ત્રણ જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ બનાવ અંગે ખંભાત સિટી પોલીસ મથકના પોકો મેહુલકુમાર નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખંભાત આંબેડકર સ્ટેચ્યુ પાસે સુપર માર્કેટ શોપિંગની સામે રંગ છાંટવા બાબતે બે કોમના લોકો વચ્ચે ઝઘડો થયો હોઈ તેઓ અટકાવવા ગયા હતા ત્યારે જયરાજ જોષી, પાર્થ યોગેશભાઈ રાવળ અને ર૦૦ માણસોનું ટોળુ હાથમાં હથિયાર, લાકડીઓ, દંડા ધારણ કરી ઊભા હતાં અને જયરાજ જોષી, જયવીર જોષી અને પાર્થ રાવળ અને અક્ષય રાવળ ટોળાની ઉશ્કેરણી કરતા હોય પોલીસે તેઓને વિખરાઈ જવા માટે જણાવવા છતાં જયરાજ જોષીએ તમે તમારૂ કામ કરો અને અને અમે અમારૂ કામ કરીએ છીએ. તને ખબર છે, અમે શું કામ કરવાનું નક્કી કર્યું છે, હોળી-ધૂળેટીના તહેવારમાં અમે ખંભાતને ભડકે બાળીશું તેમ કહી અપશબ્દો બોલી જયરાજ જોષીએ પોકો મેહુલકુમારને હવે તમે ખંભાતમાં કેવી નોકરી કરો છો તેમ જોઉ છું તેમ કહી ધમકીઓ આપી હતી અને પોલીસને કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી. જેથી આ બનાવ અંગે ખંભાત સિટી પોલીસે પોકો મેહુલકુમારની ફરિયાદના આધારે જયરાજ જોષી, જયવીર જયરાજ જોષી, પાર્થ યોગેશભાઈ રાવળ અને અજય રાવળ સહિત ચાર જણાં વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શ્રીરામ સેના દ્વારા ખંભાતમાં છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવવામાં આવી રહ્યો છે
ખંભાત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્રીરામ સેનાનાં જયવીર જોષી અને તેનાં સાગરીતો સાથે છેલ્લા કેટલાક સમયથી શહેરની શાંતી છીન્નભીન્ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,થોડા દિવસો પૂર્વે પણ અંબિકા ચ્હાની દુકાને મુસ્લિમ અને હિન્દુ કોમનાં મિત્રો ચ્હા પીવા બેઠા હતા ત્યારે ત્યાં આવીને જયવીર જોષી અને તેનાં સાગરીતોએ ઝધડો કર્યો હતો,તેમજ જયાં મુસ્લિમ કોમનાં યુવાનો બેઠા હોય ત્યાં જઈને જયવીર અને તેનાં મિત્રો મુસ્લિમ યુવાનોની ઉસ્કેરણી કરી ઝધડો કરવાનો પ્રયાસ કરી શહેરની શાંતી અને કોમી એખલાસને નુકશાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે,તેમજ જયવીરનાં પિતા જયરાજએ પણ પોલીસને પણ શહેર ભડકે બાળવાની ધમકી આપી હતી,જે પોલીસે ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે,ત્યારે પોલીસ દ્વારા શહેરની શાંતીમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરનારા તત્વો સામે સખ્ત હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.