(અલમદાર બુખારી)
અમદાવાદ, તા.પ
વિવિધ ધર્મો અને સંપ્રદાયોના વૈવિધ્યથી છલકાતા આપણા દેશમાં દરેક પંથના ધર્મગુરૂઓ જોવા મળે છે જે પૈકી કેટલાક ચુનંદા ધર્મગુરૂઓ ભલે હોય કોઈ એક સંપ્રદાયના પરંતુ તેઓ સત્કાર્યો તમામ ધર્મ-પંથના લોકો માટે કરે છે. અર્થાત્ ભેદભાવ વિના સમગ્ર માનવજાત માટે સારા કાર્યો કરે છે. આવા જ એક સજ્જન સંત છે સાવરકુંડલાના પીરે તરીકત દાદાબાપુ.
સૈયદ દાદાબાપુ કાદરી મુસ્લિમ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે તો સતત કાર્યરત છે જ સાથોસાથ તમામ ધર્મ-વર્ગના લોકોની ભલાઈ માટે પણ કટિબદ્ધ છે. તેઓ મઝહબી આગેવાન હોવા છતાં ધાર્મિકની સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એટલા જ અગ્રેસર છે અને એમની સામાજિક પ્રવૃત્તિઓએ આજે એક મૂવમેન્ટ એટલે કે અભિયાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. વર્ષો પહેલાં નાના પાયે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આજે વટવૃક્ષ બની રહી છે અને તેની શાખાઓ સતત વિકસી રહી છે. જેનો લાભ હજારો લોકો સુધી પહોંચી રહ્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલા સૈયદ દાદાબાપુએ થોડા વર્ષો પહેલાં શરૂ કરેલા વ્યસનમુક્તિ અભિયાનની જ વાત કરીએ તો હજારો હિન્દુ-મુસ્લિમો બાપુની વ્યસનમુક્તિના ચળવળના કારણે તમાકુ-બીડી-સિગારેટ, દારૂની ચુંગાલમાંથી મુક્ત થયા છે. આમ તો દાદા બાપુના પ્રયાસોથી વ્યસનમુક્ત થનાર લોકોનો આંકડો બહુ મોટો છે પણ ૬પ હજારથી વધુ લોકો તો લેખિતમાં ફોર્મ ભરીને અધિકૃત રીતે વ્યસન છોડી ચૂક્યા છે.
એ જ રીતે દરેક સમાજમાં એક સમાન સમસ્યા મનદુઃખની જોવા મળે છે. આ મનદુઃખને કારણે કેટલાયે ઘરો, મહોલ્લાઓ-શેરીઓ કે સમાજો બરબાદ થઈ ચૂક્યા છે પણ દાદાબાપુ આવા મનદુઃખવાળા કિસ્સાઓમાં ‘સમાધાન’ની સુવાસ ફેલાવી રહ્યા છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના મનદુઃખથી માંડીને હત્યા જેવા બનાવોના સમાધાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામમાં એક જ સમાજના લોકો વચ્ચે હોય કે બે સમાજના લોકો વચ્ચે અણબનાવ હોય તો તેમને પણ એક કરવાના એમના સતત પ્રયાસો હોય છે. જમાત કે સંસ્થાના હોદ્દેદારો વચ્ચે પણ સમાધાનો કરાવી રહ્યા છે કે જેથી ભલાઈના કાર્યોનો લાભ જે-તે જમાત કે સંસ્થાને મળી શકે. આ ઉપરાંત ‘સ્વદેશી અભિયાન’ પણ તેઓ ચલાવી રહ્યા છે જેમાં ભારતમાં નિર્મિત વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને વિદેશી વસ્તુઓના ત્યાગની બાબત મુખ્ય છે. ખાસ કરીને મુસ્લિમ રાષ્ટ્રોમાં વિખવાદ અને હિંસા ફેલાવી રહેલા ઈઝરાયેલના ઉત્પાદનોનો બહિષ્કારની ચળવળ મુખ્ય છે. આ ઉપરાંત તેઓ સમૂહ નિકાહ, મેડિકલ કેમ્પ બયતુલમાલ મારફત વિધવાઓને રાશન તેમજ રમઝાન કીટ વગેરેનો સમાવેશ થાય છે. લોકો વધુને વધુ સારી રીતે જીવન વીતાવી શકે અને ખુશહાલ રહી શકે એ માટે દાદાબાપુએ સામાજિક પ્રવૃત્તિઓ કરવા વિવિધ વિસ્તારોમાં ટીમો બનાવી છે જે બાપુની રાહબરી હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. મઝહબી ક્ષેત્રે પણ બાપુ જ્યાં સૌથી વધુ જરૂર છે તે વિસ્તારોમાં ઈબાદતગાહ-મસ્જિદ-મદ્રેસા કાયમ કરી રહ્યા છે. આ માટે તેઓ સ્થાનિક લોકો અને સખીદાતાઓ વચ્ચે સેતુરૂપ કાર્ય કરી રહ્યા છે.
એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિના સમાજનો ઉધ્ધાર નહીં હોવાનું દૃઢપણે માનતા દાદાબાપુએ સર્વત્ર શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા છે એટલું જ નહીં પણ પોતાના નગર સાવરકુંડલામાં એક વિશાળ શિક્ષણધામ ઊભું કર્યું છે. આ સંકુલમાં નર્સરીથી માંડીને નર્સિંગ સુધીની કોલેજ છે તો સાયન્સ, આર્ટસ, કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓનો અભ્યાસક્રમ ધરાવતી શાળા અને કોલેજો છે. આઈટીઆઈ અને નર્સિંગ કોલેજથી લોકો સ્વાવલંબી બની શકે એવી એમની નેમ છે. “ગુજરાત ટુડે”ના મુખ્ય કાર્યાલયની મુલાકાતે આવેલા દાદાબાપુએ જણાવ્યું હતું કે સંસ્કાર સાથેનું શિક્ષણ ખૂબ મહત્ત્વનું છે અને એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. સારા શિક્ષકો હોવા ખૂબ જરૂરી છે એટલે અમે ગુણવત્તા સાથે સાથે બાંધછોડ નથી કરતા બલ્કે સારું વેતન આપીને સારા શિક્ષકો નીમીએ છીએ. આ ઉપરાંત સરકાર દ્વારા મળતી સ્કોલરશીપ સહિતની વિવિધ યોજનાઓનો લાભ જરૂરતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ. રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ પણ સંખ્યાબંધ જરૂરિયાતમંદ બાળકોના એડમિનશ કરાવ્યા છે.
એ તો સર્વવિદિત છે કે સૈયદ દાદાબાપુ “ગુજરાત ટુડે” દૈનિકના ખૂબ મોટા પ્રશંસક છે અને પોતાની પ્રવૃત્તિઓની સાથે તેઓ ગુજરાત ટુડેના પ્રસાર માટે જાતે પ્રયાસો કરે છે. તેમણે કહ્યું કે ગુજરાત ટુડે એ સમાજનો અવાજ છે તે જેટલું મજબૂત બનશે સમાજ એટલો મજબૂત બનશે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત ટુડે કોઈપણ જાતના ભેદભાવ વિના જે કામ કરી રહ્યું છે તે ખરેખર એક જેહાદ છે. ગુજરાત ટુડે કલમની જેહાદ દ્વારા સમાજની બદીઓ દૂર કરવામાં તો પ્રયત્નશીલ છે જ સાથોસાથ તે સમાજના પ્રશ્નોને વાચા આપે છે અને સૌને જાગૃત કરે છે. સાથોસાથ તે પણ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પોતે પણ કરી રહ્યું છે અને અન્યોને પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે.