(એજન્સી) જેરૂસલેમ, તા.ર૧
ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે, મંગળવારે કબજા હેઠળના વેસ્ટબેંકમાં ઈઝરાયેલી સૈનિકો પર ચાકુ વડે હુમલો કરવાનો પ્રયત્ન કરનાર પેલેસ્ટીનીને પોલીસે ગોળી મારીને ઠાર કરી દીધો છે.
ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે, જ્યારે તેમણે પેલેસ્ટીની યુવકને ઠાર કર્યો ત્યારે જવાનોનો જીવ જોખમમાં હતો.
પેલેસ્ટીનીઓ પર હુમલાનો સિલસિલો ર૦૧પમાં શરૂ થયો હતો તે હવે તાજેતરના મહિનાઓમાં ધીમો પડ્યો છે પરંતુ આ સિલસિલો હજુ સુધી બંધ થયો નથી. આ હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા રપ૩ પેલેસ્ટીનીઓ અને એક જોડર્નીયન નાગરિકની હત્યા કરવામાં આવી છે. ઈઝરાયેલે જણાવ્યું કે, તેમાંથી ઓછામાં ઓછા ૧૭૧ લોકોનાં મોત હુમલામાં થયા હતા જ્યારે અન્યના મોત અથડામણો અને પ્રદર્શનો દરમ્યાન થયા હતા.
ચાકુ વડે કરવામાં આવેલા હુમલા, ગોળીબાર અને કાર વડે કચડી નાખવા જેવી ઘટનાઓમાં ૩૮ ઈઝરાયેલીઓ, બે અમેરિકન પ્રવાસીઓ અને એક બ્રિટિશ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા.
૧૯૬૭ના યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા કબજે કરવામાં આવેલ વેસ્ટબેંક, ગાઝા અને પૂર્વ જેરૂસલેમને પેલેસ્ટીનીઓ પોતાના સ્વતંત્ર રાજ્ય રૂપે સ્થાપવા ઈચ્છે છે.
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને વચ્ચે ઐતિહાસિક કરાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના મધ્યપૂર્વીય રાજદૂત જેસન ગ્રીનબ્લાટે ઈઝરાયેલી અને પેલેસ્ટીની આગેવાનોની મંગળવારે મુલાકાત લીધી હતી.
પેલેસ્ટીની સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટીની યુવક જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી તેની હત્યા ઈઝરાયેલે કબજા હેઠળના પૂર્વોત્તર જેરૂસલેમના ઈઝરાયેલી બેરિયર ખાતે કરેલા ગોળીબારમાં થઈ હતી.