વેરાવળ, તા.૩૦
વેરાવળમાં પાટણ દરવાજા નજીક એસ.ટી. બસના ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેસેલ પાંચને ઇજાઓ સાથે વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ છે. આ અકસ્માતમાં ત્રણ વર્ષની બાળાનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત મુજબ ઇન્દોર ગામે રહેતા ચિરાગ સવાઇલાલ પાટીદાર (ઉ.વ.૩૫), સુદીપ નિર્મલનાથ (ઉ.વ.૩૫), નિતુબેન ચિરાગ (ઉ.વ.૩૩), અનુરાધાબેન સુદીપનાથ (ઉ.વ.૩) અને રીક્ષા ચાલક વેરાવળના મહેબુબ અલ્લારખા (ઉ.વ.૩૫) રીક્ષામાં બેસાડી સોમનાથ તરફ જઇ રહેલ તે વખતે આજે સવારના સમયે ત્રિવેદીના કાંટા પાસે બંદરના બીજા ગેઇટ નજીક દિવ-વાંકાનેર રૂટની એસ.ટી. બસના ચાલકે રીક્ષાને અડફેટે લેતા તેમાં બેસેલા ઇન્દોરના પ્રવાસીઓ અને રીક્ષા ચાલકને હાથ-પગમાં ફેકચર સહીતની ઇજાઓ સાથે પ્રથમ વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ જયાંથી તમામને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ છે. આ બનાવમાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળા અનુરાધાનું સારવાર દરમ્યાન જૂનાગઢ ખાતે મૃત્યુ પામેલ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ જે.એ.દલે હાથ ધરેલ છે.