(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૧૨
પાટણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી ફિલ્ટર પ્લાન્ટ પરથી વિતરણ થતું પીવાનું પાણી અત્યંત દૂષિત અને મોઢામાં પણ ન જાય તેવું વાસ મારતું આવે છે. જે મામલે અનેક રજૂઆતો મિનરલ વોટર પાણી પીતા નગરસેવકો, રાજકીય આગેવાનો અને અધિકારીઓના કાને અથડાઈ પરત ફરતા મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજામાં રોષની લાગણી ફેલાઈ છે. મજબૂરીના કારણે દૂષિત પાણી પી કેટલાય શહેરીજનો પેટના દર્દ અને ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં સપડાયા છે. તાજેતરમાં જ જિલ્લાના પ્રભારી મંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મેળવી બેઠકમાં પાટણ શહેર સહિત જિલ્લામાં લોકોને શુદ્ધ અને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવા તાકીદ કરી હતી. પરંતુ સિક્કની બીજી બાજુ પાટણના ખાન સરોવરમાં પુરતા પ્રમણમાં પાણીનો જથ્થો હોવા છતાં નગરપાલિકાના જવાબદારોની ઘોર બેદરકારીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર પોતાની સત્તાનો ઉપયોગ કરી નગરપાલિકના કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સત્તાધીશોના કાન આમળી શહેરીજનોને પુરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરે તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.
પાટણના તત્કાલિન ધારાસભ્ય અને મંત્રી આનંદીબેન પટેલે શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાના પાણી સંગ્રહ સ્થળ ખાનસરોવર પાસે ફિલ્ટરપ્લાન્ટ મંજૂર કરાવી કાર્યરત કરાવ્યો હતો. પરંતુ અ ફિલ્ટરપ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હોય તેમ પાણીને ફિલ્ટર કરવાની પ્રોસેસ છાશવારે બંધ કરી દેવામાં આવતા દૂષિત પાણીની સમસ્યા ઉભી થાય છે. તો બીજી બાજુ ભુગર્ભ ગટર શાખાની નિષ્ક્રિયતાને પગલે ભુર્ગભ ગટરો ચોકપ બનતાં પીવાના પાણીની પાઈપલાઈનો સાથે ગટરનું અને પીવાના પાણીનું મિશ્રણ થઈ જતાં પાણી દૂષિત આવતું હોવાનું પણ કેટલાય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
પાટણ શહેરમાં પીવાના દૂષિત પાણીની વકરેલી આ સમસ્યા અંગે વિવિધ વિસ્તાર ખાસ કરીને વોર્ડ નં.૮, ૯ અને ૧૦ની મહિલાઓએ આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો છે.
શહેરમાં દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યાનું સ્થાનિક તબીબોએ જણાવ્યું હતું. જુનાગંજ બજાર, રાજકાવાડા, કાલી બજાર, ટાંકવાડા, ઘીવટા, સાલવીવાડા, છીંડીયા દરવાજા તથા બજારમાં અને મહોલ્લા પોળોમાં આવેલી ફિઝીશીયન તબીબોની કલીનીકો ઉપર હાલ પેટમાં દુઃખાવો અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓમં રોજેરોજ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.