(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કેસની સુનાવણી કરતાં જસ્ટિસ લોયાના મૃત્યુ અંગેના બનાવ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પીઆઈએલ આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તે અંગે પ્રતિક્રિયા આપતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહની રાજકીય કારકિર્દી ખતમ કરવાના કોંગ્રેસના કારસા હવે ખુલ્લા પડી ગયા છે. જસ્ટિસ લોયાના મૃત્યુને ષડ્યંત્ર કરીને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અમિત શાહને ખોટી રીતે બદનામ કરવાનો કારસો કર્યો હતો. તેનો પદાર્ફાશ થઈ જવા પામ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ૨૧ જેટલા રાજયોમાં જનસમર્થન મેળવ્યું છે ત્યારે લોકોના દિલમાંથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જસ્ટિસ લોયાના મુદ્દે સુપ્રીમકોર્ટમાં પીઆઇએલ દાખલ કરાવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુપ્રીમકોર્ટના ચુકાદાથી સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે અને આખરે સત્યનો વિજય થયો છે. ભાજપની લોકપ્રિયતાથી ડરી ગયેલી કોંગ્રેસને હવે દેશમાં તે કયાંય બચશે નહી તેવી દહેશત લાગતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પોલીટિકલ કેરીયર પૂરી કરવાના મલિન ઇરાદે સુપ્રીમકોર્ટમાં રાજકીય લડતનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ગમે તેટલા ષડયંત્રો કરે અને ખોટી રાજનીતિ કરે પરંતુ ભાજપના સુશાસન અને વિકાસની રાજનીતિને જનતા જનાર્દનનું પ્રચંડ સમર્થન સદાય મળતુ રહેવાનું છે.