(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ર૪
ધોળકા તાલુકાના નેસડા ગામના યુવકનું અપહરણ કરી હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં ધોળકા પોલીસે વધુ બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકાના નેસડા ગામનો યુવક ભરતભાઈ મનુભાઈ મકવાણા ર૦ દિવસ અગાઉ ગૂમ થયેલો પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ભરતભાઈનું અમુક ઈસમો એ વટામણ ચોકડીથી કારમાં અપહરણ કરી જુવાલ રૂપાવટી ગામની એક ઓરડીમાં ગોંધી રાખી ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરવા મૃતદેહને કારમાં રાજપીપળા નજીક પોઈચા ખાતે નર્મદા નદીના પટમાં લઈ જઈ લાશને અડધી બાળી દાટી દીધી હતી.
આ બનાવ સંદર્ભે ધોળકા પોલીસે ગતરોજ ત્રણ આરોપીઓ જીતેન્દ્રભાઈ હીરાભાઈ પરમાર, કૌશીક ખુશાલભાઈ પરમાર અને વિક્રમભાઈ પશાભાઈ પરમારની ધરપકડ કરી હતી. જેઓને આજે ધોળકા પોલીસે ધોળકા કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમ્યાન ધોળકા પોલીસે વધુ બે આરોપીઓ પશાભાઈ ગલાભાઈ પરમાર અને તેમની પત્ની મૃદુલાબેનની અમદાવાદથી ધરપકડ કરી છે. આ ગુનામાં વપરાયેલી કાર પોલીસે કબજે કરી છે. વટામણ ચોકડીથી મૃતકની બાઈક લઈને ભાગી ગયેલ નિલેશને પોલીસ શોધી રહી છે.