મોરબી ,તા.ર૪
મોરબી જીલ્લામાં રાજય સરકાર જન સહયોગથી ૧લી મેના રોજ ગુજરાત સ્થાપના દિનથી રાજયભરમાં આવેલ તળાવો તથા જયા જયા જળસ્ત્રોત આવેલા છે તેને ઉંડા ઉતારવાનો પ્રારંભ કરાશે તેમ ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે મોરબી જિલ્લાના અધિકારીઓ ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો સાથે મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા જળ અભિયાન અંગે યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યુ હતુ. વધુમાં રાજય સરકાર વરસાદના પાણીનો વધુમાં વધુ જળસંગ્રહ થાય અને લોકોમાં જળ સંચય અંગેની જાગૃતિ કેળવાય તે માટે લોક ભાગીદારીને જોડી ગ્રામ્ય તળાવો અને જયા જયા જળસ્ત્રોત આવેલા છે તેનો કાપ કાઢી ઉંડા ઉતારવાનો ૧લી મેથી પ્રારંભ કરી સતત એક મહિનો એટલે કે તા.૩૧મી મે ૨૦૧૮ સુધી આ કાર્ય સતત ચાલુ રખાશે. આ તળાવોનો કાપ ખેડુતોને વિના રોયલ્ટી ઉપાડવા દેવામાં આવશે. જેથી ખેડુતોને તેની જમીનને કાપ ભરી નવસાધ્ય કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે મંત્રીએ મોરબી જિલ્લાના સબંધિત અધિકારીઓ પાસેથી ગ્રામ્ય તેમજ અન્ય જળસ્ત્રોતની વિગતો મેળવી સરકારના આ અભિયાનમાં મોરબી જિલ્લાના સીરામીક અને અન્ય ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જળ સંચયના કાર્યમાં તળાવો અને જળસ્ત્રોતોને દતક લઈ સહયોગી બને તેમ જણાવ્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નિવાસી અધિક કલેકટર કેતન.પી.જોષી જિલ્લા અગ્રણી રાધવજીભાઈ ગડારા, હીરેન પારેખ, ઘનશ્યામસિંહ ગોહીલ, અરવિંદભાઈ વાસદડીયા તેમજ સંબંધીત વિભાગના અધિકારીઓ ઉધોગકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા .