(એજન્સી) શોપિયાં, ર૪
કઠુઆ ગેંગરેપ- હત્યાકાંડના વિરોધમાં જમ્મુ-કાશ્મીરની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો ચાલુ છે. શિક્ષણ મંત્રી અલ્તાફ બુખારીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન કરવાનો હક્ક છે.
બારામુલ્લામાં શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કઠુઆ બળાત્કાર હત્યા કેસમાં દેખાવો યોજ્યા હતા. પોલીસે ૭૦ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓએ આરોપીઓને સખત સજાની માગણી કરી હતી.
મોટાપાયે પોલીસદળ શાળાના પરિસરમાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. પોલીસે ટીયરગેસ છોડ્યા હતા.
બારામુલ્લાના પોલીસવડા ઈમ્તિયાઝ હુસેને કહ્યું કે, અટકાયતી વિદ્યાર્થીઓને છોડી મૂકાશે. વિદ્યાર્થીઓ શિક્ષણને મહત્ત્વ આપવાના બદલે બિનજરૂરી દેખાવોમાં ભાગ લે છે.
પથ્થરમારો કરી રહેલા પીંજુરામાં યુવાનોના ટોળાને વિખેરવા સેનાએ ફાયરીંગ કર્યું હતું. ટોળા આ સેનાના વાહનો પર પથરાવ કર્યો હતો અને શાળા કોલેજો બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
પુલવામામાં મુરાન વિસ્તારમાં સેના સર્ચ ઓપરેશન દરમ્યાન ટોળાએ પથરાવ કર્યો હતો. સેનાએ ટીયરગેસ છોડી ટોળાને વિખેરી નાંખ્યા હતા. ગાંદરબલ અને કંગાનમાં કઠુઆ ગેંગરેપ સામે દેખાવો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ માર્ગો પર રસ્તા રોકયા હતા. પ્લેકાર્ડ સાથે સૂત્રો પોકારી અપરાધીઓને સજા કરવા માંગ કરી હતી.
બાંદીપુરામાં સેંકડો વિદ્યાર્થીઓએ શાળામાં એકઠા થઈ કઠુઆ રેપ કેસના વિરોધમાં દેખાવો યોજ્યા હતા. દેખાવકારોએ ભોગ બનનાર આસિફા માટે ન્યાયની માંગણી કરી હતી.