(એજન્સીં) નવી દિલ્હી, તા. ૨૪
લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીએ જણાવ્યું કે, સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામેની મહાભિયોગ નોટિસ ફગાવીદેવા માટે રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ ઉતાવળિયું પગલું ભર્યું. તેમણે એવું પણ જણાવ્યું કે આ ઉદાહરણે ખોટો પૂર્વ નિર્ણય સ્થાપ્યો છે અને આ બાબત લોકશાહી માટે સારી નથી. ચીફ જસ્ટિસ સામેની મહાભિયોગ નોટિસ ફગાવતા પહેલા નાયડુએ યોગ્ય પ્રોસિઝર અનુસરવાનું હતું. ચેટરજીએ કહ્યું કે બંધારણમાં પ્રોસિઝર્સ છે અને રાજ્યસભાના અધ્યક્ષે ઉતાવળિયું પગલું ભરવાને બદલે પ્રોસિઝરને અનુસરવાનું હતું. મહાભિયોગ નોટિસના અગાઉના દાખલાઓનો ઉલ્લેખ કરતા સોમનાથ ચેટરજીએ જણાવ્યું કે તે વખતે કાર્યપ્રણાલિનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું. વેંકૈયા નાયડુએ ચીફ જસ્ટિસ દીપક મિક્ષા સામે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિરોધ પક્ષો દ્વારા આપવામાં આવેલી મહાભિયોગ નોટિસ ફગાવી દીધી હતી અને નાયડુએ જણાવ્યું હતું કે નોટિસમાં કોઇ દમ નથી તેમ જ ચીફ જસ્ટિસ સામે મુકાયેલા આરોપો ટકે એવા નથી કે સ્વીકારી શકાય નહીં. ઉપરાષ્ટ્રપતિએ વર્તમાન કેસમાંથી ઉદભવેલા આરોપો ન્યાયતંત્રની આઝાદીને ઓછી આંકવાની એક ગંભીર વૃત્તિ છે.