(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ મંગળવારે જણાવ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા નથી પરંતુ તે દરેક જગ્યાએ બને છે. તેઓ અહીં રોકાયા નહીં પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, સંસદ પણ કાસ્ટિંગ કાઉચના કલંકથી બાકાત નથી. ચૌધરીએ કહ્યું કે, આ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા નથી પરંતુ તે દરેક જગ્યાએ થાય છે તે વાસ્તવિકતા છે. એવું ન વિચારતા કે, સંસદ કે અન્ય સ્થળો આ કલંકથી બાકાત છે આ કડવું સત્ય છે જે દરેક જગ્યાએ બને છે. તેમણે લોકોને હાકલ કરી હતી કે આ દુષણને પહોચી વળવા માટે તમામ લોકોએ એક સાથે આવવું જોઇએ. આ એવો સમય છે જ્યારે ભારતે અવાજ ઉઠાવવાનનં શરૂ કર્યું છે અને કહ્યું છે કે, ‘મી-ટુ’. એટલે કે હવે ભારતીયો સામે આવીને કહી રહ્યા છે કે, અમારી સાથે પણ આવું બની ચુક્યું છે.
ઉલ્લેખનીય છે કે, સરોજખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને રેપ અંગે કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો રેપ અથવા કાસ્ટિંગ કાઉચ હોય છે તો રોટી પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને તરછોડી નથી દેવાતા પણ કામ આપવામાં આવે છે. સરોજખાનના આ નિવેદને વિવાદ ઉભો કર્યો છે અને ચારેતરફથી તેની ટીકા થઇ રહી છે. જોકે, સરોજખાને માફી માગી લીધી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે, જે સવાલના જવાબમાં હું બોલી હતી તેની ચર્ચા નથી થતી. સરોજખાને કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચ અત્યારની સમસ્યા નથી પરંતુ આવું સદીઓથી ચાલી આવી રહ્યું છે અને તેમાં કાંઇ નવું નથી. કેટલાક સ્થળોએ લોકો યુવતીઓ પાસેથી ફાયદો મેળવવાના પ્રયાસ કરે છે. સરકારી અધિકારીઓ પણ આમ કરે છે તો તમે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેમ નિશાને લો છો. આ ક્ષેત્ર લોકોને આજીવિકા પણ પુરી પાડે છે તેમને તરછોડી દેતું નથી.