પાટણ, તા.ર૪
પાટણ શહેરના રેલવે સ્ટેશન માર્ગ પર આવેલ હેડ પોસ્ટઓફિસની સામે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આસપાસમાં ઉભા રહેલા શાકભાજીની લારીવાળાઓ સહિત વેપારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની સાથે જ કારની આગળનો ભાગ એકાએક આગની અગનજવાળાઓ લપેટાતા બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કારચાલકને આબાદ બચાવ થયો હતો. ત્યારે શહેરના હાર્દસમા માર્ગ પર બર્નિંગ કારની ઘટના બનતા લોકો અવાક બની ગયા હા.
મૂળ પાટણના વતની અને ધંધા રોજગાર અર્થે મુંબઈ કાંદીવલીમાં સ્થાઈ થયેલા પ્રફુલભાઈ પંચાલ પોતાની કાર લઈ ધાયણો જ મુકામે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. દરમ્યાન પાટણ શહેરના રેલવે સ્ટેશન હાઈવે માર્ગ પર શ્રીદેવી કોમ્પલેક્ષ નજીકથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન કારની એન્જીનના ભાગમાં રહેલી બેટરીમાં અસહ્ય ગરમીના કારણે અથવા તો કોઈ અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થતાં કારના આગળના ભાગમાં ઓચિંતી ભભૂકી ઉઠી હતી. જેને લઈ ચાલતી કારમાં લોકોએ આગની નિહાળતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ બર્નિંગ કારની ઘટનાને લઈ આસપાસના વેપારીઓ તેમજ શાકભાજીની લારીઓવાળાઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનાને પગલે રેલવે સ્ટેશનના એક તરફના માર્ગ પર ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. તો આ ઘટનામાં કારચાલક પ્રફુલભાઈ પંચાલનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બેટરી બ્લાસ્ટ થવાના કારણે ડીઝલ કારની આગળનો ભાગ બળીને ભસ્મીભૂત થઈ જતાં મોટું નુકસાન થયું હતું.