(એજન્સી) તા.૨૫
મંગળવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂા.૮૨.૪૮ની સૌથી ઊંચી સપાટીએ આંબી ગયા હતા. જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂા.૭૦.૨૦ની વિક્રમી સપાટીએ પહોચી ગયા હતા. જ્યારથી ભાજપ સરકાર સત્તારુઢ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી ઊંચી સપાટીએ પહોચી ગયા છે. સામાન્ય માનવી પર પેટ્રોલ- ડીઝલના વધતા જતા ભાવના બોજને ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકવાની જોરદાર માગણી થઇ રહી છે. પરંતુ સરકાર આ મામલે ઝૂકવા તૈયાર નથી. નાણા મંત્રાલય પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકવા માગતું નથી કારણ કે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી રાજકોષિય ખાધ પર તેની નકારાત્મક અસરો પડવાની શક્યતા છે. એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકવાથી સરકારી તિજોરીને રૂા.૧૩૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે. તેને બદલે નવી દિલ્હી એવું ઇચ્છે છે કે રાજ્ય સરકારો આ બંને ઇંધણ પર સેલ્સ ટેક્સ કે વેટ ઘટાડે. આમ હવે ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવમાંથી તત્કાલ કોઇ રાહત મળે તેવું જણાતું નથી. સરકારની માલિકીની ઓઇલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલના દરમાં પ્રતિ લિટર ૧૩ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૯ પૈસાનો વધારો કર્યો હતો. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ચડાવ ઉતારની ઘરેલુ ભાવો પર અસર થાય છે. જૂન ૨૦૧૭માં ક્રૂડ તેલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૪૬.૫૬ ડોલર હતો તે વધીને હવે પ્રતિ બેરલ ૬૩.૮૦ ડોલર થઇ ગયો છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૬૧ પૈસા જેટલો વધારો કરાયો છે અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૭૯ પૈસાનો વધારો કરાયો છે. પાડોશી દેશો સાથેની તુલના કરીએ તો પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ છે. મુંબઇમાં પ્રતિ લિટર પેટા્રેલનો ભાવ રૂા.૮૨.૪૮ છે જ્યારે બાંગ્લાદેશમાં ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ રૂા.૬૮.૦૮, નેપાળમાં પ્રતિ લિટર રૂા.૬૪.૭૮ અને શ્રીલંકામાં પ્રતિ લિટર રૂા.૪૮.૯૪ અને પાકિસ્તાનમાં પ્રતિ લિટર રૂા.૪૭.૪ ભાવ હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની તિજોરી ભરવા માટે ઇંધણ પર ટેક્સ વારંવાર લાદે છે. જેના કારણે આપણે પેટ્રોલ -ડીઝલના વધુ ભાવ ચૂકવવા પડે છે. આમ પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ સર્વાધિક વિક્રમી સપાટી પર છે.