ગાંધીધામ, તા.રપ
કચ્છ જિલ્લામાં ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી શાંત વાતાવરણ ડહોળવાનો કેટલાક શખ્સો પ્રયત્ન કરી રહ્યા છે. મુસ્લિમ સમાજની આસ્થાના કેન્દ્ર દરગાહોમાં તોડફોડ કર્યા બાદ અસામાજિક તત્ત્વોએ એક શિવમંદિરમાં તોડફોડ કરી હતી.
ભૂજમાં રાજગોર સમાજની દેવી દેવતાઓની મૂર્તિઓ તોડીને આવા તત્ત્વો દ્વારા કોમી એકતા અને ભાઈચારાના માહોલને બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાતા લોકોમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે તાજેતરમાં મુસ્લિમ સમાજ દ્વારા ભૂજમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને કચ્છ આવા કૃત્ય કરનાર શખ્સોને પકડી તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આજે ફરી આવા તત્ત્વોએ હિન્દુ સમાજના દેવી દેવતાની મૂર્તિઓ તોડી ધાર્મિક લાગણી દુભાવી છે જેને કચ્છના મુસ્લિમ સમાજે વખોડી કાઢી છે. આવા તત્ત્વોને પોલીસ તાત્કાલિક પકડી પાડી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.