જૂનાગઢ, તા.૨૫
તાજેતરમાં જમ્મુના કઠુઆ, યુપીના ઉન્નાવ તથા ગુજરાતના સુરત આ ઉપરાંત દિલ્હી, છત્તિસગઢ, ઓડિસા, આસામ, ઈન્દોર તથા હરિયાણામાં તથા દ્વારકાના કરુંગા નજીક સગીર બાળાઓ, યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની હતી. જેમાં સુરત કઠુઆમાં તો બળાત્કારીઓએ દુષ્કર્મ આચરી બાળાઓની હત્યા કરી નાખી હતી. આમ, માસૂમ બાળાઓ પર સતત વધતા જતા દુષ્કર્મના બનાવોના દેશ-વિદેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને ચોમેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તથા રેલીઓ નીકળી રહી છે. બળાત્કારીઓ પ્રત્યે લોકોમાં પ્રચંડ રોષની લાગણી ફેેલાઈ ગઈ છે. આવા તત્ત્વોએ ફાંસીની સજા આપવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે. દેશમાં મહિલાઓ પર અત્યાચાર અને માસૂમ બાળાઓ પર ગુજારવામાં આવતા પાશ્વી બળાત્કાર સામે સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. સરકાર આવા બનાવોને રોકવામાં નિષ્ફળ ગઈ હોવાની લાગણી લોકોમાં ઉઠવા પામી છે. આવા બનાવો અંગે જૂનાગઢમાં જમિઅતે ઉલમા હિંદ, દાવતે ઈસ્લામી હિન્દ, જમાઅતે ઈસ્લામી હિંદ, જૂનાગઢ નાગરિક વિકાસ કેન્દ્ર, જૂનાગઢ ઈસ્લામ દર્શન કેન્દ્ર જૂનાગઢ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી આ ગુનાઓમાં જે પણ સંડોવાયેલ હોય તેઓ સાથે સખ્ત કાર્યવાહી કરવા તથા કોર્ટ કાર્યવાહી છ માસમાં પૂરી કરી આરોપીઓને સખ્ત સજાની માંગ તથા જે લોકો ભોગ બન્યા છે. તેમને ન્યાયની માંગ કરી છે.