કોડિનાર, તા.ર૫
કોડિનાર તાલુકાના કડોદરા ગામે ગ્રામસભાના આયોજનમાં મહિલા સરપંચની છેડતીની ઘટના બાદ બે પક્ષો વચ્ચે બઘડાટી થતાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે કડોદરા ગામના મહિલા સરપંચ ઈલાબેનનાં પતિ હિમાંશુ હરીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી એકાદ વર્ષ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝઘડો થયેલ હોય અને આ લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગાય હોય તે બાબતનું મનદુઃખ રાખી કડોદરા ગામનાં જ હિરેન નારણ વાળા, સુનીલ હરી વાળા, પ્રતાપ આતા વાળા, ધીરૂ આતા વાળા વગેરેએ ઝઘડો કરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારી સરપંચ ઈલાબેનની સાડી ખેંચી છેડતી કરી અભદ્ર વર્તન કરી તેનું વીડિયો શુટિંગ ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
તો સામા પક્ષે હિરેન નારણભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે કડોદરા ગ્રામસભામાં પોતાને કેટલ શેઈડનો ઠરાવ કરાવવો હોય તેની રજૂઆત કરતા હિમાંશુ હરી સોલંકી, ઈલાબેન હિમાંશુ સોલંકી, વિશાલ હરી સોલંકી અને હરી ગોવિંદ સોલંકીએ ઠરાવ અંગે ના પાડી છરી, લાકડીઓ, લોખંડના પાઈપ વડે મારમારી સરપંચ ઈલાબેન સવાત્રણ તોલા સોનાની ચેઈન ઝુંટવી લઈ જઈ જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.