ભાવનગર, તા.રપ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણના અધિકાર કાયદાનો અસરકારક અમલ, ફીના નામે વિદ્યાર્થીઓ-વાલીઓની લૂંટ બંધ કરવા સહિત શિક્ષણ લગતા વિવિધ પ્રશ્ને આજે બુધવારે ભાવનગર શહેર કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ સહિતના કોંગ્રેસના જુદા-જુદા સંગઠનો દ્વારા ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પટાંગણમાં ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો પણ યોજાયા હતા. શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરવા માંગ કરવામાં આવી હતી.
ભાવનગર સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં મોંઘા શિક્ષણ ઊંચા ફીના ધોરણના વિરોધમાં, વ્યાજબી ફીમાં શિક્ષણ મળે, ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવા માટે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર), એનએસયુઆઈના પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રવક્તા કાળુભાઈ બેલીમ, અસ્લમ શેખ, અફઝલભાઈ, અશરફભાઈ, એસ.એસ. ગોહિલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો જોડાયા હતા.