(એજન્સી) તા.૨૫
સ્વાયત્ત જિનજીયાંગ પ્રાંતના ચીની મુસ્લિમોએ વાર્ષિક હજયાત્રા પર જતા પહેલા ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે પોતાની વફાદારીની પ્રતિજ્ઞા લેવી પડે છે. ઉરુમકીસિટી એથનિક એન્ડ રિલીજીયસ અફેર્સ કમિટી દ્વારા ચલાવવામાં આવતી સરકારી વેબસાઇટમાં સ્થાનિક મુસ્લિમોએ ઓનલાઇન પ્રોફાઇલ સેટઅપ કરીને હજમાં ંંજવા માટે પ્રવાસ કરવાની વિનંતી સુપરત કરવી પડે છે.
આ સાઇટ યુઝર્સને પોતાની ઉમર, નોકરી, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે તેમજ ૫૦થી ૭૦ વર્ષની વયના અરજદારો જ હજયાત્રા પર જઇ શકે છે અને તેમના માટે કડક માર્ગદર્શિકાનું પાલન કરવું પડે છે. બીજું હજમાં જવા માટે પ્રાંતની રાજધાની ઉરુમકીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો વસવાટ કર્યો હોવો જોઇએ. એટલું જ નહીં યુઝર્સે ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની નેતાગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાના શપથ લેવા પડે છે.
અત્યારે રજીસ્ટ્રેશન બંધ થઇ ગયું છે પરંતુ ૧ સપ્ટે.૨૦૧૭થી ૧ નવે.૨૦૧૭ વચ્ચે રજીસ્ટ્રેશન ચાલુ હતું. આમ ૨૦૧૮માં હજ કરવા માગતા અરજદારોએ આ પ્રતિજ્ઞા લેવી જરુરી છે. ચીન હજ માટેની અરજીઓ પર સઘન નિયંત્રણ ધરાવે છે. સત્તાવાળાઓનું માનવું છે કે લઘુમતી સમુદાય માટે ધાર્મિક પ્રવાસ એ વિધ્વંસક રાજકીય પ્રવૃત્તિ માટે સંભવિત કવર તરીકે કામ કરી શકે છે એવું હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં જણાવાયું હતું. ચીનની સરકાર ધાર્મિક કટ્ટરવાદ પર કડક કાર્યવાહી કરવાના પ્રયાસના ભાગરુપે ઉઇઘુર મુસ્લિમો દ્વારા હજયાત્રા પર સતત દેખરેખ અને નિયંત્રણ રાખે છે.
૨૦૧૬માં જિનજિયાંગમાં વસતા લાખો લોકોને વાર્ષિક ચેકિંગ માટે તેમના પાસપોર્ટ સ્થાનિક પોલીસને સરેન્ડર કરવા અને વિદેશ જવા માટે સ્થાનિક સત્તાવાળાઓની મંજૂરી મેળવવા આદેશ કરવામાં આવ્યો હતો.