(એજન્સી) બોકારો, તા.૨૫
ઝારખંડમાં બાળક ચોરી કરવાની શંકાના આધારે એક મુસ્લિમ શખ્સની ટોળા દ્વારા માર મારી હત્યા કરવા મામલે તેનુઘાટની કોર્ટે દસ લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આની સાથે જ ૧૪ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગત વર્ષ ચાર એપ્રિલના રોજ ઝારખંડના બોકારો જિલ્લાના નર્રા ગામમાં શમસુદ્દીન અન્સારીની ટોળા દ્વારા માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે શમસુદ્દીનના સાળાની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે ગત ૧૮ એપ્રિલના રોજ દસ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જયારે ૨૧ એપ્રિલના રોજ સજાને લઈ સુનાવણી થઈ હતી. મંગળવારે તેનુઘાટના અપર સત્ર ન્યાયાધીશ (દ્વિતિય) ગુલામ હૈદરએ વીડિયો કોંફ્રેસિંગ દ્વારા સજા સંભળાવી હતી. તેમણે આ સાથે દંડ દ્વારા મળેલ રકમને પીડિત પરિવારને આપવા આદેશ કર્યો હતો. જે દસ લોકોને સજા સંભળાવી છે એમાંથી કિશોર, સુરજ, ચંદન, જીતન, સાગર, મનોજ, સોનુ, જીતેન્દ્ર, રાજકુમાર અને છોટુ કોઈરી સામેલ છે. અધિવક્તા મુજબ એક વર્ષમાં આ મામલે સુનાવણી પૂરી કરી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. એક આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ સોંપવાની બાકી છે. શમસુદ્દીન ધનબાદના મહુદાનો રહેવાસી હતો. ત્રણ એપ્રિલના રોજ તેઓ પોતાના સબંધીને ત્યાં બોકારો જિલ્લાના નર્રા ગામ આવ્યા હતા. તેમણે એમની બાઇક ઘરની પાછળ ઉભી રાખી હતી. થોડા સમય બાદ બાઇક ગાયબ થઈ ગયી હતી. ત્યારે શમસુદ્દીનના સબંધીઓએ સ્થાનીય વ્યક્તિને ફોન કરીને બાઇક ગમ થયા હોવાની વાત કહી હતી. ચાર એપ્રિલના રોજ સવારે હથિયારબંધ ટોળાએ શમસુદ્દીનને ઘર માંથી બહાર ખેંચીને બાળક ચોર હોવાની શંકાના આધારે માર મારતા દૂર સુધી લઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતા શમસુદ્દીનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.