(એજન્સી) જોધપુર, તા. ૨૫
પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ ૧૬ વર્ષની કિશોરી સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવતા લાખો ભક્તોના બની બેઠેલા સાધુ આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે એટલે કે હવે આસારામે જીવનપર્યંત જેલમાં જ રહેવું પડશે. વર્ષ ૨૦૧૩માં આસારામ વિરૂદ્ધ સગીર યુવતી સાથે બળાત્કારનો આરોપ લગાવાયો હતો. આસારામના બે સાથીઓને પણ ૨૦-૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસનો ચુકાદો અને સજા બંને જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ સંભળાવવામાં આવ્યો હતો જ્યાં આસારામને રાખવામાં આવ્યો હતો. ૭૭ વર્ષના આસારામના ભક્તો દ્વારા ચુકાદાની પ્રતિક્રિયા રૂપે હિંસાને ધ્યાને રાખી જેલમાં જ ચુકાદો અને સજા સંભળાવવાનો નિર્ણય કરાયો હતો, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં ચુકાદાના પગલે એલર્ટ અપાયું હતું.
દરમ્યાન આસારામને જોધપુરની જેલમાં કેદીનો ૧૩૦મો નંબર અપાયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંંત્રી શિવરાજસિંહ ચૌહાણે ચુકાદા બાદ કહ્યું કે, તેમના રાજ્યમાં આસારામના નામની સંપત્તિઓના નામ બદલી નાંખવામાં આવશે.
આ અંગે ૧૦ મહત્વાના મુદ્દા
૧. સમગ્ર વિશ્વમાં ૪૦૦ આશ્રમ ધરાવનારા આસારામે ૨૦૧૩માં સગીરા પર બળાત્કાર કર્યો હતો. તેના પર પોતાના પુત્ર સાથે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૪ વચ્ચે ગુજરાતના સૂરતમાં બે બહેનો પર બળાત્કારના પણ આરોપ છે.
૨. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ સુરત કેસની સુનાવણી પાંચ અઠવાડિયામાં પુરી કરવા તાકીદ કરી હતી.
૩. આસારામને આજીવન કેદની સજા ફટકારાઇ છે જેમાં મૃત્યુપર્યંત તેને જેલમાં રહેવું પડશે ઉપરાંત તેણે એક લાખ રૂપિયા દંડ પણ ભરવો પડશે.
૪. જોધપુરના કેસમાં આસારામને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને રણના શહેરની જેલમાં રાખવામાં આવ્યો હતો. તેણે ૧૨ વખત જામીન અરજી કરી હતી પણ દરેક વખતે તેની અરજી ફગાવાઇ.
૫. ાીડિતાના પિતાએ કહ્યું કે, આસારામ દોષિત જાહેર થયો છે, તેથી અમને ન્યાય મળી ગયો છે. હું મારી લડતમાં ટેકો આપનારા તમામ લોકોનો આભાર માનવા માગુ છું. હવે મને આશા છે કે, આસારામને આકરામાં આકરી સજાનું પાલન કરવામાં આવશે.
૬. જોધપુર કેસની સુનાવણી દરમિયાન નવ સાક્ષીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણના મોત થઇ ગયા હતા.
૭. હંમેશા સફેદ દાઢી અને સફેદ ઝબ્બામાં રહેતો અને લાખો ભક્તો ધરાવતા આસારામ વિરૂદ્ધ પોક્સો એક્ટ અને એસસી એસટી કાયદા અંતર્ગત સગીરા સાથે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
૮. આસારામ દ્વારા રેપ કરાયેલા સગીરાને તેના માતા-પિતાએ જ આશ્રમમાં મુકી હતી અને આસારામના ફક્તે કહ્યું હતું કે, આસારામ તેને ગંદી શક્તિઓથી પવિત્ર કરી દેશે. બાદમાં યુવતીએ કબૂલાત કરી હતી કે, તેની સાથે શું થયું છે તે કોઇને કહેશે તો મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી.
૯. આસરામ સાથે અન્ય ચાર આરોપીઓમાંથી બેને દોષિત જાહેર કરાયા હતા અને અન્ય બેને છોડી દેવાયા હતા.
૧૦. આસારામની પ્રવક્તા નીલમ દૂબેએ કહ્યું હતું કે, અમે અમારી કાનુની ટીમ સાથે ચર્ચા કરીશું અને બાદમાં કેવી રીતે આગળ વધવું તે નક્કી કરાશે. અમને અમારી ન્યાયપાલિકામાં પૂરો વિશ્વાસ છે.
સતત આતંકના ઓછાયા હેઠળ હતા, ચુકાદાથી સંતુષ્ટ : પીડિતાના પિતા
પાંચ વર્ષ પહેલા બની બેઠેલા ગોડમેન દ્વારા ઉત્તરપ્રદેશના શાહજહાપુરની ૧૬વર્ષની યુવતી પર બળાત્કારના આરોપમાં આસારામને મોત સુધી જેલની સજા સંભળાવવામાં આવતા પીડિતાના પિતાએ કહ્યું હતું કે, ન્યાય થયો છે અને ચુકાદાથી તેઓ સંતુષ્ટ છે. ૭૭ વર્ષના લંપટ બાબા આસારામને જોધપુરની સ્પેશિલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતાના પિતાએ કહ્યું કે, ન્યાય મેળવી હું ખુશ છું, અમને ન્યાયપાલિકામાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને ન્યાય મળવાથી ખુશ છીએ. છેલ્લા ચાર મહિનાથી અમારો પરિવાર ઘરમાંથી બહાર નીકળી શકતો નહોતો. જોકે, સંતોષજનક વાત એ છે કે, ચુકાદો તેના વિરૂદ્ધમાં ગયો. અમે સતત આતંકના ઓછાયામાં રહેતા હતા અને અમારો ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો હતો. બુધવારે ચુકાદા પહેલા પીડિતા અને તેના પરિવારને કડક સુરક્ષા આપી દેવાઇ હતી. રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં પણ વધારાના દળો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જોધપુરમાં ધારા ૧૪૪ મંગળવારથી લાગુ કરી દેવાઇ હતી.
રેપ કેસમાં જીવનપર્યંત સજા સાંભળી આસારામ ભાંગી પડ્યો
જોધપુરની એસસી એસટી કોર્ટે બુધવારે સજા સંભળાવતા બળાત્કારી બાબા આસારામ ભાંગી પડ્યો હતો. વર્ષ ૨૦૧૩માં આસારામ વિરૂદ્ધ સગીર યુવતી સાથે બળાત્કારના આરોપમાં દોષિત સાબિત થયો હતો. આ ચુકાદો સ્પેશિલ એસસી,એસટી કોર્ટના જજ મધુસુદન શર્મા દ્વારા જોધપુરની સેન્ટ્રલ જેલની અંદર સંભળાવાયો હતો. પીડિતાની ફરિયાદ અનુસાર ૨૦૧૩ની ૧૫ અને ૧૬મી ઓગસ્ટની રાતે આસારામે તેના પર આશરે એક કલાક સુધી બળાત્કાર ગુજાર્યો હતો. યુપીના શાહજહાંપુરની સગીરા દ્વારા ફરિયાદ નોંધાયા બાદ આસારામની ધકપકડ કરવામાં આવી હતી. રેપ પીડિતાના પિતાએ ચુકાદા બાદ તેમને સાથ આપનારાઓ તમામનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે ન્યાયિક પ્રક્રીયા પુરી થવા સુધી સુરક્ષા પુરી પાડવા બદલ જિલ્લા વહીવટી તંત્રને પણ આભાર માન્યો હતો.