નવીદિલ્હી, તા. ૨૬
પીએનબી સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભારતમાંથી ફરાર થયેલા હિરા કારોબારી નિરવ મોદી હોંગકોંગ છોડીને ફરાર થઇ ગયો છે. થોડાક દિવસ પહેલા જ ભારત સરકારે કહ્યું હતું કે, નિરવ મોદી હોંગકોંગમાં છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે, નિરવ હોંગકોંગથી અમેરિકા ફરાર થઇ ગયો છે. ભારતીય તપાસ સંસ્થાઓની સતત તપાસ બાદ નિરવ મોદી બીજી ફેબ્રુઆરીના દિવસે યુએઇ છોડીને હોંગકોંગ ફરાર થઇ ગયો હતો. હોંગકોંગમાં કઠોર કાયદાકીય પ્રક્રિયાના પરિણામ સ્વરુપે નિરવ મોદી ત્યાં પણ રહી શક્યો ન હતો. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે તે હોંગકોંગથી ફરાર થઇ ગયો હતો. એમ માનવામાં આવી રહ્યું હતું કે, મોદીના ચીન પ્રવાસ દરમિયાન બેજિંગ સમક્ષ નિરવ મોદીના પ્રત્યાર્પણની સંભાવના હતી. નિરવ મોદી ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે લંડન પહોંચી ગયો હતો જ્યાં એક મહિના સુધી રોકાયો હતો. ત્યારબાદ માર્ચના ત્રીજા સપ્તાહમાં તે ન્યુયોર્ક જતો રહ્યો હતો. કેટલાક વેપારીઓ અને અન્ય લોકોએ નિરવ મોદીને ન્યુયોર્કમાં રિજેન્સી હોટલની આસપાસ નિહાળ્યો હતો. નિરવ મોદીને સરકાર હોંગકોંગથી ભારત લાવવા ઇચ્છુક હતી. આના માટે ભારત સરકારે હોંગકોંગના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સમક્ષ નિરવ મોદીની પ્રોવિઝનલ ધરપકડ માટે અપીલ કરી હતી. આમા સીબીઆઈ અને ઇડીના તેની સામે દાખલ કરવામાં આવેલા મામલાઓ અને ભારત સરકાર તરફથી નિરવની સામે જારી બિનજામીનપાત્ર વોરંટનો ઉલ્લેખ કરાયો હતો. નિરવ અને મેહુલ ચોક્સી બંનેએ પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ શાખાના કેટલાક કર્મચારીઓ સાથે મળીને ૧૩૦૦૦ કરોડ રૂપિયાની ખટાઈ કરી હતી.