(એજન્સી) આગ્રા, તા.ર૬
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ ત્રાસવાદીઓનો અને આતંકવાદી વિચારધારા ધરાવનારાઓનો અડ્ડો છે તેવા ભાજપના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનનો જોરદાર વિરોધ કરી અલીગઢ મુસ્લિમ વિદ્યાર્થી સંઘે ડો. સ્વામીને સાંસદ પદેથી હકાલપટ્ટી કરવાની માગણી કરી તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે.
સાંસદ સ્વામી દ્વારા આ નિવેદન કરી યુનિવર્સિટી છાપને બગાડવાનો આરોપ મૂકાયો છે. તેમનો આરોપ પાયાવિહોણો અને બાલીશ છે. આ સ્વામીની વિભાજીતવાદી માનસિકતા છતી કરે છે. તેમ વિદ્યાર્થી સંઘે કહ્યું છે.
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના વિવાદીત નિવેદન બાદ ડો. સ્વામીની આ ટિપ્પણી આવી છે. સલમાન ખુરશીદે કોંગ્રેસ પર મુસ્લિમોના લોહીના છાંટાનું કલંક છે તેવો આરોપ મૂક્યો હતો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ મશ્કુર એહમદ ઉસમાનીએ કહ્યું કે આ એક વ્યંગ બાણ છે. એક તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવું કહ્યું છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકો બિનસાંપ્રદાયિક છે ત્યારે ડો. સ્વામીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ શું રાષ્ટ્રપતિના શબ્દ અંગે વિવાદ ઊભો કરવા માંગે છે. સ્વામીના નિવેદનથી યુનિ.ના લાખો વિદ્યાર્થીઓની લાગણીઓ દુભાઈ છે. જેઓ દેશ-વિદેશમાં છે. સ્વામીના નિવેદનથી દેશની બિનસાંપ્રદાયિક છાપ ખરડાઈ છે. તેથી રાજ્યસભાના સભ્ય પદેથી તેમને હાંકી કાઢવા જોઈએ. તેઓ માનસિક રીતે સ્વસ્થ નથી.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું રાષ્ટ્રીય મહત્ત્વ છે. તેણે રાષ્ટ્ર નિર્માણ અને કોમી એખલાસ માટે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ ફૈઝલ હુસેને કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક એવી સંસ્થા છે જેઓ સારા રાજ નેતાઓ વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો પેદા કર્યા છે. તેવા સંજોગોમાં ડો. સ્વામી દ્વારા આવું બિનજવાબદાર અને ઝેરી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમને તેમની વિચારધારા જીવનમાં ઉત્તમ દેખાતી નથી. સ્વામીનો મૂળ હેતુ અને લક્ષ મુસ્લિમોને વિભાજિત બદનામ કરી પતાવી દેવાનો છે.