(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સવાલ કર્યો છે કે કોર્ટના હુકમ વગર સેંકડો મોબાઈલ ધારકોને આધાર સાથે જોડી દેવા માટે દબાણ કેમ કરાય છે ?
બુધવારે કોર્ટે સ્પષ્ટ કર્યું કે મોબાઈલ ફોન સાથે આધાર નંબર ફરજિયાત જોડવા માટે કોર્ટ દ્વારા સરકારને કોઈ નિર્દેશ અપાયો નથી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે આધાર અંગેની ઢગલો અરજીઓની સુનાવણી હાથ ધરી હતી. તેમજ ર૦૧૬ના આધાર અંગેના કાનૂનની પણ સુનાવણી કરી હતી. યુનિક (યુએઆઈડીએઆઈ)ના વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટે આધાર અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. આવો કોઈ સુપ્રીમનો હુકમ ન હોવા છતાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને નિયમિત આધાર અંગે યાદ કરાવે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેણે કદી પણ મોબાઈલ નંબરને આધાર સાથે ફરજિયાત જોડવા અંગેનો કોઈ હુકમ કર્યો નથી. બુધવારે ખંડપીઠે લોકનીતિ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ જાહેરહિતની અરજી બાદ તેણે આપેલા હુકમને ચકાસવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે કહ્યું કે, મોબાઈલ અને આધાર સાથે જોડવા અંગે કદી પણ હુકમ કરાયો નથી ત્યારે ગ્રાહકોને તે માટે કેવી રીતે દબાણ કરાય છે ?