(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં તાજેતરમાં સર્જાયેલી ઘટનાઓ અંગે કેટલાક ઉર્દૂ પત્રકારોએ પોતાની નારાજગી વ્યક્ત કરતો એક ખુલ્લો પત્ર મૌલાના વલી રહમાનીને પાઠવ્યો છે. પત્રમાં સોશિયલ મીડિયા દ્વારા વલી રહમાનીને બિહારના પટણામાં પુરી થયેલી ‘દીન બચાવો દેશ બચાવો’ રેલી બાદ તેમના નિકટના સાથીને ભેટમાં અપાયેલી એમએલસીની સીટ અંગેની ડીલનો ખુલાસો કરવાનું જણાવવામાં આવ્યું છે. પત્રકારોએ બહુ મોડું થઇ જાય તે પહેલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં ઘૂસી ગયેલા રાજકીય દલાલોને બોર્ડમાંથી કાઢી મુકવા અને બોર્ડની વિશ્વસનીયતા બચાવવાની હાકલ કરી છે.
પત્રમાં એવો આરોપ મુકાયો છે કે ખાલિદ અનવર શંકાસ્પદ વ્યક્તિ છે અને ભૂમિ માફિયા છે. તેણે કબ્રસ્તાનના પ્લોટ્સ કબજે કર્યા છે અને તે લાંબા સમયથી મૌલાના રહમાનીની નિકટમાં છે. એવા પણ અહેવાલો છે કે બિહારમાં રામવિલાસ પાસવાન અને પપ્પુ યાદવ વગેરે એક ત્રીજો મોરચો બનાવીને મુસ્લિમ મતો વિભાજિત કરીને બિહારમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા માગે છે અને મુસ્લિમોને મુરખ બનાવવા માગે છે. અંતે આ ત્રીજો મોરચો અનેડીએમાં ભળી જશે. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે કેટલાક રાજકીય દલાલોએ બોર્ડમાં ઘૂસણખોરી કરી છે અને તેમની રાજકીય મહત્વાકાંક્ષા પુરી કરવા માટે પર્સનલ લો બોર્ડનો ઉપયોગ કરવા માગે છે. બોર્ડના વર્તમાન મહામંત્રી આવી શંકાસ્પદ વ્યક્તિઓને મદદ કરી રહ્યા છે અને બોર્ડમાંથી તેમની હકાલપટ્ટીનો પણ વિરોધ કરે છે. બોર્ડની નજીકના સૂત્રોએ એવો ઘટસ્ફોટ કર્યો કે ત્રણ તલાક બિલ સામેનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાતના થોડાક દિવસ પહેલા બોર્ડના એક સભ્યે મુંબઇમાં ઝફર સરેશવાલા સાથે મુલાકાત કરી હતી. બોર્ડના આ સભ્ય મૌલાના રહમાનીની બહુ નિકટના છે. મૌલાના રહમાનીના આગ્રહથી બોર્ડમાં સામેલ કરાયેલા મુફ્તી ઐજાઝ અર્શદ કાસ્મી અને શંકાસ્પદ ચારિત્ર્યવાળા અન્ય કેટલાક મૌલાનાઓ બીજી એપ્રિલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને મળ્યા હતા. ઉર્દૂ ડેઇલી દ્વારા રાજનાથ સાથેની બેઠક વિશે પૂછવામાં આવતા તેમણે સીધીરીતે કહી દીધું કે આવા બધા અહેવાલો પાયાવિહોણા છે. બોર્ડની મહિલા પાંખના પ્રમુખને રાજનાથ સાથેની બેઠક વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઇ બેઠક વિશે પોતે અજાણ હોવાનું કહ્યું હતું.
બીજી મહત્ત્વની વાત એ છે કે મુફતી એજાઝ અને કમાલ ફારૂકી જે બંને લોકો મૌલાના રહમાનીની નિકટના છે. તેઓએ ગયા વર્ષે બેંગ્લોર અને દિલ્હીમાં આર.એસ.એસ.ના સંત રવિશંકર જોડે મુલાકાત કરી હતી. જ્યારે આ મુદ્દાને મૌલાના રહમાની સમક્ષ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જે લોકો બોર્ડની પરવાનગી વગર રવિશંકર જોડે મળ્યા છે તેમના વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે. પરંતુ આ બંને લોકો વિરૂદ્ધ કોઇ પણ પગલા લેવામાં આવ્યા ન હતા. જ્યારે બોર્ડના અગ્રણી સભ્યોએ કલકત્તામાં યોજાયેલી બોર્ડની કારોબારીની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરી ત્યારે મૌલાના રહમાનીએ મુફ્તી ઐજાઝનો બચાવ કર્યો હતો. પટણાની રેલીએ બોર્ડની નિષ્ફળતા છતી કરી ત્યારબાદ હવે એ સમય આવી ગયો છે કે બોર્ડમાંથી દલાલોની હકાલપટ્ટી કરવામાં આવે અને આ મહત્ત્વની મુસ્લિમ સંસ્થાને બચાવવામાં આવે.