(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટના કોલેજિયમને ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમકોર્ટના જજ બનાવવા અંગે પુનઃવિચાર કરવાનું કહ્યું છે. કેન્દ્રે જસ્ટિસ જોસેફનું નામ પોછું મોકલી દીધું છે અને ઇન્દુ મલ્હોત્રાને જજ બનાવવાની મંજૂરી આપી દીધી હોવાથી આ મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમકોર્ટ બાર એસોસિએશન સાથે જોડાયેલા આશરે ૧૦૦ વકીલોએ હસ્તાક્ષર કરીને સુપ્રીમકોર્ટમાં અરજી રજૂ કરીને આ મામલે તાકીદે સુનાવણી કરવા અને ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ પર સ્ટે આપવાની માગણી કરી છે. દરમિયાન, જસ્ટિસ જોસેફને સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત નહીં કરવા અને સુપ્રીમકોર્ટના કોલેજિયમની ભલામણોની અવગણના કરવા સામેના વિરોધમાં સુપ્રીમકોર્ટના બાર એસોસિએશનની ખાસ બેઠક બોલાવવાની સુપ્રીમકોર્ટના વકીલોએ માગણી કરી છે. આ ખાસ બેઠકમાં કેન્દ્ર સામે એક ઠરાવ પસાર કરવામાં આવશે. સૂચિત ઠરાવમાં કેન્દ્રના આ પગલા સામે રોષ વ્યક્ત કરવામાં આવશે. ઇન્દુ મલ્હોત્રાને શુક્રવારે હોદ્દાના શપથ લેવડાવવામાં આવે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિએ પણ મલ્હોત્રાની નિયુક્તિને બહાલી આપી દીધી છે.
ભૂતપૂર્વ સોલિસિટર જનરલ ઇન્દિરા જયસિંહે આ મામલે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કોર્ટે ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. ઇન્દિરાજયસિંહે જણાવ્યું કે તેમનો હેતુ ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ અટકાવવા કે ટાળવાનો નથી પરંતુ જસ્ટિસ જોસેફના મામલામાં કેન્દ્ર સરકારના પગલાથી ન્યાયતંત્રને વિભાજિત કરવાની કોશિશથી અટકાવવાનો છે. નોંધનીય છે કે ઇન્દિરા જયસિંહે જસ્ટિસ જોસેફની નિયુક્તિ ન થઇ જાય ત્યાં સુધી ઇન્દુ મલ્હોત્રાને શપથ નહીં લેવડાવવાની અરજ કરી છે.
અગાઉ, કાયદા મંત્રાલય દ્વારા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જસ્ટિસ જોસેફને બઢતી આપવાનો આ યોગ્ય સમય નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ જસ્ટિસની યાદીમાં જસ્ટિસ જોસેફની સીનિયોરિટી ૪૨મા ક્રમે છે. તે ઉપરાંત હાઇકોર્ટના અન્ય ૧૧ ચીફ જસ્ટિસ પણ તેમની સીનિયોરિટી લિસ્ટમાં આગળ છે.
કેન્દ્રએ જસ્ટિસ જોસેફનું નામ પરત મોકલ્યું, ચિદમ્બરમે પૂછ્યું – સુપ્રીમકોર્ટના જજ નહીં
બનાવવાનું કારણ રાજ્ય, ધર્મ કે તેમનો ચુકાદો ?
કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ મહિલા વકીલ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમકોર્ટના જજ બનાવવાની સુપ્રીમકોર્ટના કોલેજિયમની ભલામણને મંજૂરી આપવામાં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ ખુશ થયા છે પરંતુ જસ્ટિસ જોસેફ અંગે કેન્દ્રના વલણથી તેમને નિરાશા થઇ છે. જસ્ટિસ જોસેફને સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત કરવા અંગે પુનઃ વિચાર કરવાનું કેન્દ્ર દ્વારા કોલેજિયમને કહેવા બદલ ચિદમ્બરમે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે શું રાજ્ય, ધર્મ કે ઉત્તરાખંડ કેસમાં તેમના ચુકાદાને કારણે જસ્ટિસ જોસેફને સુપ્રીમકોર્ટના જજ બનાવવામાં આવી રહ્યા નથી. તેમણે કેન્દ્રને એવું પણ પૂછ્યું કે જસ્ટિસ જોસેફના નામની કોલેજિયમે ભલામણ કરી હોવાછતાં શા માટે તેમના નામને મંજૂરી આપવામાં આવી નથી.