(એજન્સીં) નવી દિલ્હી, તા. ૨૬
સુપ્રીમકોર્ટમાં જજ માટે કોલેજિયમ દ્વારા ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કેએમ જોસેફ અને વરિષ્ઠ મહિલા વકીલ ઇન્દુ મલ્હોત્રાના નામની ભલામણ કરવામાં આવી હતી પરંતુ સરકારે ઇન્દુ મલ્હોત્રાને મંજૂરી આપી દીધી છે જ્યારે જસ્ટિસ જોસેફનું નામ ગુરુવારે પાછું મોકલી દીધું છે. પોતાના ઘણા સાથીઓના ભયને વાજબી ઠરાવતા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે આમાં કશું જ ખોટું નથી. ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમકોર્ટના જજ બનાવવાનો ઇનકાર કરીને સરકારે ટોચના જજીસને ‘ઉદ્દેશપૂર્ણ અને નિષ્પક્ષ ’ બનવા અને પોતાની પસંદગી પર પુનઃવિચાર કરવાનું કહ્યું છે. સુપ્રીમકોર્ટના જજ બનાવવા માટે જસ્ટિસ જોસેફ અને ઇન્દુ મલ્હોત્રાના નામ ત્રણ મહિના પહેલા કેન્દ્રને મોકલવામાં આવ્યા હતા. જો જજીસ જસ્ટિસ જોસેફનું નામ પરત મોકલવાનો નિર્ણય લેશે તો, સરકાર માત્ર વિલંબ કરી શકે છે, તેમની નિયુક્તિ અટકાવશે નહીં.
૧૦ મહત્વના મુદ્દા
૧. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળા કોલેજિયમે જસ્ટિસ જોસેફ અને ઇન્દુ મલ્હોત્રાને એક સાથે સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી મલ્હોત્રાની નિયુક્તિ અટકાવવાની માગણી કરતી ૧૦૦થી વધુ વકીલો દ્વારા રજૂ કરાયેલી અરજી ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસે જણાવ્યું કે ઇન્દુ મલ્હોત્રાને પ્રથમ મહિલા વકીલ છે, જેમને સુપ્રીમકોર્ટમાં સીધા જજ બનાવવામાં આવી રહ્યાં છે. તેમની નિયુક્તિમાં વિલંબ કરવાની બાબત અવિચારી, અકલ્પનિય અને અકળ હશે.
૨. જો કેન્દ્ર ભલામણ જુદી પાડી દીધી અને એક પુનઃવિચાર કરવા માટે એક નામ મોકલ્યું તો આ બાબત તેમના અધિકારમાં છે. ભૂતપૂર્વ સોલિસિટર જનરલ ઇન્દિરા જયસિંહે ન્યાયતંત્રની સ્વતંત્રતા કોઇપણ ભોગે બચાવવાનું કહીને ઇન્દુ મલ્હોત્રાનાં શપથ મોકૂફ રાખવાની ચીફ જસ્ટિસને અરજ કરી છે.
૩. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સુપ્રીમકોર્ટનું કોલેજિયમ ખુલાસો કરે કે, અન્ય જજીસ સીનિયર હોવાછતાં શા માટે જસ્ટિસ જોસેફની પસંદગી અને નિયુક્તિ કરાઇ. કેન્દ્ર સરકારે એવું પણ જણાવ્યું કે તેઓ કેરળના બીજા જજ હશે અને આ બાબત સુપ્રીમકોર્ટમાં કેરળનું વધુ પડતું પ્રતિનિધિત્વ હશે. કોલેજિયમે જણાવ્યું કે જસ્ટિસ જોસેફ ભલે સીનિયોરિટીમાં ૪૫મા ક્રમે છે પરંતુ અન્ય બધા કરતા તેઓ સુપ્રીમકોર્ટના જજ બનવા માટે વધુ લાયક અને યોગ્ય છે.
૪. કેન્દ્રે એવો આક્ષેપ કર્યો છે કે ૨૦૧૬માં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ કરવાના તેમના નિર્ણય બદલ સરકાર જસ્ટિસ જોસેફને સજા કરી રહી છે. જસ્ટિસ જોસેફના ચુકાદાને કારણે ઉત્તરાખંડમાં હરિશ રાવતની કોંગ્રેસ સરકાર સત્તામાં પરત આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે એવું ટિ્વટ કર્યું છે કે શું મોદી સરકાર કાયદાથી પર છે.
૫. ઉત્તરખંડ અંગે જસ્ટિસ જોસેફના ચુકાદાના એક મહિના બાદ કેન્દ્ર સરકારે પણ તેની મંજૂરી પાછી લઇ લીધી હતી. જસ્ટિસ જોસેફે આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે સંયુક્ત હાઇકોર્ટની ભલામણ કરી હતી.
૬. સરકારી સૂત્રોએ જસ્ટિસ જોસેફ સામે તેમનો વાંધો ઉત્તરાખંડના ચુકાદા સાથે સંકળાયેલો હોવાનું નકારી કાઢ્યો છે. જો એ કેસ હોત તો સૂત્રોએ જણાવ્યું કે જસ્ટિસ જેએચ ખેહર જજીસની નિયુક્તિની પદ્ધતિ બદલવાના સરકારના પગલાંને ફગાવી દીધા બાદ ચીફ જસ્ટિસ ન બન્યા હોત.
૭. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કોર્ટના ગૌરવ વિશે કહેવાનો કોંગ્રેસને કોઇ નૈતિક અધિકાર નથી. કોંગ્રેસનો ઇતિહાસમાં ન્યાયતંત્રની આઝાદી સાથે બાંધછોડ કરવાના ઘણા દાખલાઓ છે. એના માટે રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં દાદી અને તે વખતના વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો.
૮. ચાલુ મહિનાના પ્રારંભમાં જજીસની નિયુક્તિમાં થઇ રહેલા વિલંબ અંગે જસ્ટિસ કુરિયન જોસેેસે ચીફ જસ્ટિસને લેખિતમાં કહ્યું હતું. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે સુપ્રીમકોર્ટનું અસ્તિત્વ ખતરામાં છે. આવો જ એક પત્ર ગયા મહિને જસ્ટિસ ચેલામેશ્વર દ્વારા પણ લખવામાં આવ્યો હતો.
૯. સરકારે ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિને મંજૂરી આપી તેના થોડાક કલાકો પહેલા જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ મદન લોકુરે સંસ્થાકીય મુદ્દાઓ અને કોર્ટના ભાવિ અંગે ચર્ચા કરવા માટે બધા જજીસની બેઠક યોજવાનું ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને કહ્યું હતું. જસ્ટિસ ગોગોઇ અને જસ્ટિસ લોકુર બંને સુપ્રીમકોર્ટના કોલેજિયમના સભ્યો છે. ચીફ જસ્ટિસે તેમના પત્રનો જવાબ આપ્યો નથી.
૧૦.જાન્યુઆરીમાં ચાર જજીસ – ન્યાયમૂર્તિઓ ચેલામેશ્વર, લોકુર, ગોગોઇ અને કુરિયન જોસેફ તેમની ચિંતાઓ લોકો સમક્ષ લઇ ગયા હતા અને તેમણે ક્હયું હતું કે સુપ્રીમકોર્ટનું વહીવટીતંત્ર વ્યવસ્થિત નથી. સુપ્રીમકોર્ટની સંગઠિતતા ખતરામાં છે.