દાહોદ, તા.૨૬
દાહોદમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ સિનિયર સિટીઝનને લાફો મારતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરની શાંતિ સદન સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા સીનીયર સીટીઝન ૭૫ વર્ષીય ભાનુપ્રકાસ હેમચંદ્ર દિક્ષીત આજરોજ બપોરના એક વાગ્યાના સુમારે પોતાના પૌત્ર દેવાંશ વિકાસભાઇ દિક્ષીત સાથે લઇ દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં ચાલતા પોતાના સંવિંગ્સ ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગયા હતા. કાઉન્ટર ઉપર બાબુભાઇ એમ.પલાસ નામના કર્મચારી ફરજ પર હતા.સીનીયર સીટીઝન ભાનુપ્રકાસ દિક્ષીતે પોસ્ટ ઓફિસમાં પોતાના ખાતામાં થી રૂપિયા ૧૨૦૦૦ ઉપાડ્યા હતા.જેમાં તેઓને ફરજ પરના કર્મચારીએ ૨૦ રૂપિયાના દરની નોટોના છ બંડલ આપ્યા હતા.જેથી ભાનુપ્રકાસ દિક્ષીતે કહેલ કે, મારા ખિસ્સામાં આ બંડલો સમાઇ શકે તેમ ન હોઇ તમે એક બંડલ બદલી આપો, તેમ કહેતા ફરજ પરના કર્મચારી બાબુભાઇ પલાસ એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલી પોતાની ખુરસીમાંથી ઉભા થઇ રૂપિયાની લેવડ દેવડની બારીમાંથી હાથ બહાર કાઢી ભાનુપ્રકાસ દિક્ષીતને ગાલ પર બે ત્રણ લાફા મારી નીચે પાડી દીધા હતા તે વખતે બાબુભાઇ પલાસે , હું ધારુ તો મારા ગામના માણસોને બોલાવી તને લુંટાડી દઇશ , તેમ કહી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. આ સંબંધે ભાનુપ્રકાસ હેમચંદ્ર દિક્ષીતે દાહોદ ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલિસે ગુનો નોધી આગળ તપાસ હાથ ધરી છે.