(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૬
વડોદરાના મકરપુરા પોલીસ મથકમાં કામ માટે આવેલા દીવના ડેપ્યુટી કલેકટર સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ઝપાઝપી કરનાર પોલીસ મથકનાં પો.ઇ. દિલીપ મહીડા સામે પોલીસ કમિશ્નરે ફરિયાદનાં આદેશ આપતા પોતાનાં જ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર સામે ફરિયાદ દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ કમિશ્નર મનોજ શશીધરે પો.ઇ. મહીડાની તાત્કાલીક હ્યુમન ટ્રાફિકિંગ બ્રાંચમાં બદલી કરી દીધી છે. એક પોલીસ કર્મી સામે ખાતાકીય તપાસનાં આદેશ પણ આપવામાં આવ્યા છે. જરૂર પડશે તો પો.ઇ. મહીડા વિરૂદ્ધ પણ ખાતાકીય તપાસ કરવામાં આવશે તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા શહેરમાં રહેતાં સંઘ પ્રદેશ દીવમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ શર્મા તેમના પિતાની લાયસન્સવાળી પિસ્તોલની મુદ્દત પુરી થતાં તે જમા કરાવવા મકરપુરા પોલીસ મથકમાં ગયા હતા. પરંતુ પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મીઓએ તેમની સાથે સામાન્ય વ્યકિતની માફક વર્તન કરી ધક્કા ખવડાવ્યા હતા. એટલું જ નહીં. ડેપ્યુટી કલેકટરે આ અંગે પો.ઇ. દિલીપ મહીડાને રજુઆત કરવા ગયા તો, પો.ઇ. મહિડાએ પણ તેમની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આ બનાવ અંગે અર્પૂવ શર્માએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતાં પોલીસ કમિશ્નર મનોજ શશીધરે પો.ઇ. મહીડા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનાં આદેશ આપ્યા હતા. જેથી પોતાના જ પોલીસ મથકમાંજ પો.ઇ. દિલીપ મહીડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. આવનાર વ્યકિત ડેપ્યુટી કલેકટર કક્ષાનો હોવાની જાણ થતા મહીડાએ ડે.કમિશ્નર અપૂર્વ શર્માની માફી પણ માગી હતી. પરંતુ પોલીસ કમિશ્નર કરેલા આદેશને પગલે પો.ઇ. મહીડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.