(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
પદમલા ગામે દલિતોને વરઘોડો કાઢવો નહીં તેવી ચેતવણી સાથેનું લખાણ લખવામાં આવ્યા બાદ રાત્રિનાં સમયે નીકળેલી જાન પર પથ્થરમારો કરવામાં આવતા ભાગદોડ મચી હતી. છાણી પોલીસ મથકે જાન પર પથ્થરમારો કરવો તેમજ બોર્ડ પર ધમકી ભર્યું લખાણ લખવાનો આરોપ ધરાવતા પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર પદમલા ગામ વણકરવાસમાં રહેતા રમેશભાઇ ડાહ્યાભાઇ પરમારને ત્યાં લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સગા-સંબંધીઓ અને સ્નેહીઓ આવી પહોંચ્યા હતા. દરમ્યાન ગામના નોટીસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું હતું કે દલિતોએ ગામમાં વરઘોડો કાઢવો નહીં ક્ષત્રિઓનો વરઘોડો નીકળશે અને જો કાઢશો તો તેવી ચેતવણી આપવામાં આવી હતી. રમેશભાઇ પરમારને ત્યાંથી રાત્રિના સમયે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે દલિત વિરોધી લોકોએ અચાનક પથ્થરમારો કરતાં ભાગદોડ મચી હતી. પોલીસ તંત્રને બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. છાણી પોલીસ મથકે ઉકત પથ્થરમારો અને વાંધાજનક લખાણ લખવાનો આરોપ ધરાવતા રાકેશ ઉર્ફે ભોળો રામાભાઇ, રમેશ શાંતિલાલ, મહેશ જગદીશભાઇ જાદવ, પીયુષ વિઠ્ઠલભાઇ, મણીલાલ મેલાભાઇ જાદવ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.