(સંવાદદતા દ્વારા) પાટણ, તા. ર૬
પાટણ કલેક્ટર કચેરીમાં આવેલ અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ઓ.એસ. રૂા. ર૦ હજારની લાંચ સ્વીકારતા પાટણ એ.સી.બી. પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એટ્રોસિટીની ફરિયાદ અંતર્ગત ભોગ બનનાર અનુસૂચિત જાતિના ચાર લાભાર્થીઓને સહાય વળતર પેટે રૂા. ૩ લાખ મંજૂર થયા હતા. સહાયના આ ચેકો કલેક્ટર કચેરીમાં આવેલ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરીમાંથી મેળવવાના હોઈ લાભાર્થીઓએ કચેરીના ઈન્ચાર્જ ઓ.એસ. અરૂણકુમાર માણેકલાલ લિંબાચિયાનો સંપર્ક કરતા તેઓએ ચેક પેટે લાભાર્થીઓ પાસેથી રૂા. ર૦ હજાર લાંચની માગણી કરી હતી. લાંચની રકમ પછી આપવાની શરતે ચારેય લાભાર્થીઓને રૂા. ૩ લાખના ચેકો ગત તા. ૩૧ માર્ચ પહેલા આપી દીધા હતા.
દરમ્યાન લાંચ પેટેની નક્કી થયેલ રકમ માટે અરૂણકુમાર દ્વારા લાભાર્થીઓ પાસે આવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી લાભાર્થીઓએ પાટણ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો અને છટકુ ગોઠવતા આજે અરૂણકુમાર ફરિયાદી પાસેથી રૂા. ર૦ હજાર લાંચની રકમ સ્વીકારતા આબાદ ઝડપાઈ ગયા હતા.