(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૨૬
ભાજપ સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી વધુ એક વિવાદમાં ફસાતા તેઓની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. શંકર ચૌધરી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો ગુનો દાખલ કરવાની લેખિત ફરિયાદ થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ બનાસકાંઠાને મેડિકલ કોલેજ આપવા માટે પાલનપુર સિવિલનું ખાનગીકરણ કરવા તથા મોરિયા ખાતે આરોગ્ય વિભાગને ફાળવેલ ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટને ફાળવવા સહિતની કવાયતમાં પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાની રાવ ઉઠી છે. પૂર્વ આરોગ્ય મંત્રીએ પોતાની સત્તાની વગ વાપરી પોતાના જ ટ્રસ્ટને પહોંચાડેલા લાભ બદલ તેઓની સામે ઓફિસ ઓફ પ્રોફિટના ભંગ બદલ ક્રિ.પ્રો.કોડની કલમ ૧૫૪ મુજબ એફઆરઆઈ નોંધવા ભેમાભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ૧૯૯૯ના નિયમો મુજબ, જે સંસ્થા મેડિકલ કોલેજની સ્થાપના કરવા માંગતી હોય તેવી સંસ્થા પાસે ૩ વર્ષની બેલેન્સ શીટ હોવી જોઈએ જ્યારે સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ગત તા.૧૭-૯-૨૦૧૬ના રોજ નોંધાયેલ હોઈ તેની પાસે ૩ વર્ષની બેલેન્સ શીટ કે અનુભવ ન હોવા છતાં સદરહુ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ગુજરાત સરકારના તત્કાલિન આરોગ્ય મંત્રીએ નીતિ-નિયમો નેવે મૂકી રાજકીય સત્તાનો દુરૂપયોગ કરી દલા તરવાડીની ભૂમિકા ભજવતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટને મેડિકલ કોલેજ આપવાનો નિર્ણય કરી ઓફિસ ઓફ પ્રોફિટનો ભંગ કરેલ છે. મેડિકલ કોલેજ માટે મોરિયા ખાતે ફાળવાયેલ ગૌચરની જમીનનો વિવાદ પણ વિવાદ ઉઠ્યો છે. ગત તા.૨૬-૫-૧૭ના રોજ મોરિયા સરપંચે બોલાવેલી બેઠકમાં ઢોરોના પ્રમાણમાં ગૌચર હોઈ સદરહુ જમીન સરકાર ખાતે દાખલ કરવાનો ઠરાવ ૩ વિરૂદ્ધ ૫ મતથી નામંજૂર થયો હતો. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ની કલમ-૮૭ મુજબ ગ્રામ પંચાયત ઠરાવ કર્યાની ૩ મહિનાની અંદર ફેરફાર કરી શકતી નથી છતાં સરપંચ પર દબાણ થતાં ૪ દિવસ બાદ ફરીથી બેઠક બોલાવી ૧૦ હેક્ટર જમીન મેડિકલ કોલેજને આપવા સરકાર દાખલ કરવા સર્વાનુમત્તે મંજૂરી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં ગૌચરની જમીન બનાસકાંઠા કલેક્ટર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગને મેડિકલ કોલેજ માટે ફાળવાઈ હતી. જે હુકમમાં આ જમીન ત્રાહિત વ્યક્તિ કે સંસ્થાને તબદીલ, વેચાણ કે બક્ષિસ, ભાડા પટ્ટે આપી શકાશે નહીં તેવી શરતો મુકાઈ હતી. આમ છતાં રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સદરહુ જમીન આરોગ્ય મંત્રીના ટ્રસ્ટને ૧ રૂપિયાના ટોકન ભાડેથી ૩૩ વર્ષના ભાડાપટ્ટાથી આપી ઓફિસ ઓફ પ્રોફિટનો ભંગ કરાયો હોવાની રાવ ઉઠી છે.