અમદાવાદ, તા.ર૬
બીટકોઈન કેસમાં એક પછી એક આરોપીઓના નામ ઉપરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને પણ આ કેસમાં જગદીશ પટેલની સાથે મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે ત્યારે નલિન કોટડિયા તેમનો ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ત્યારે ખરેખરમાં બીટકોઈન કેસમાં તેમનો હાથ હોય તેવી શંકા સેવાઈ રહી છે. ત્યારે નલિન કોટડિયાને શોધવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમો રવાના થઈ છે.
સીઆઈડીની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે આખી યોજનાની શરૂઆત નલિન કોટડિયાએ બનાવી હતી. જેમાં કિરીટ પાલડિયા પાસેથી કોટડિયાને માહિતી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બિટકોઈનને અને છેલ્લા ઘણા વર્ષોમાં તે ખાસ્સા પૈસા કમાયો છે. જો કે શૈલેષને ઉપાડવામાં આવે તો તે ડરના માર્યા ઘણા પૈસા આપી શકે છે. નલિન કોટડિયા પાસે આવેલી આ માહિતીને આધારે પૈસા મળી શકે તેવા ઈરાદા તેમને સુરતના વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો, ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા કારણ કે જગદીશ પટેલ સુરતમાં ડીસીપી તરીકે નોકરી કરી ચૂક્યા હતા.
કિરીટ પાલડિયા અને કેતન પટેલે મળી કેવી રીતે શૈલેષ ભટ્ટને નિશાન બનાવી શકાય તેની યોજના બનાવી હતી. ત્યારબાદ કેતન પટેેલે અમરેલીના એસપી જગદીશ પટેલનો સંપર્ક કરી કામ પાર પડે તો મોટી રકમ મળશે તેવું જણાવ્યું હતું. એસ.પી. જગદીશ પટેલ પણ મોટી રકમ મળતી હોય તો કામ કરવા તૈયાર થયા હતા. જગદીશ પટેલે પોતાના વિશ્વાસુ પોલીસ અધિકારી તરીકે ઈન્સ્પેક્ટર અનંત પટેલનને કેસ સોંપ્યો હતો અને કેતન પટેલના સંપર્કમાં રહી કામ પાર પાડવાનું નક્કી થયું હતું. નક્કી થયા પ્રમાણે કિરીટ પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. બાદમાં શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલાં ઈન્સ્પેક્ટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડિયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મીટિંગ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિરીટ પાલડિયાએ ત્યારબાદ શૈલેષને લોકેશન મોકલી નિધી પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા. બીટ કોઈન આવી ગયા પછી કિરીટે પહેલાં ૬૦ બીટકોઈન મુંબઈના સંજય કોટડિયાને વહેંચ્યા હતા. ત્યારબાદ પાંચ પાંચ બીટકોઈન વેચી તેણે રોકડા પૈસા લઈ લીધા હતા. આ દરમ્યાન અનંત પટેલ પૈસા લેવા માટે પાંચ દિવસ સુરત રહ્યા હતા. જે પૈસા આવ્યા તેના ત્રણ ભાગ પડ્યા હતા. જેમાં અનંત પટેલ, જગદીશ પટેલ અને નલિન કોટડિયા વચ્ચે વહેંચણી થઈ ગઈ હતી. આ તપાસ બાદ હવે સીઆઈડી નવીન કોટડિયાની પૂછપરછ કરી તેમની સામે આવેલા તથ્યોની ખરાઈ કરવા માંગતી હતી.
પણ જગદીશ પટેલની જેમ પૂછપરછ પછી પોતાની પણ ધરપકડ થઈ શકે છે. તેવા ડરમાં નલિન કોટડિયા ભૂગર્ભમાં જતા રહ્યા છે.