(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૨૬
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના પીલુદ્રા ગામે ચાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને દેહાંત દંડ (ફાંસી)ની સજાનો હુકમ ભરૂચ પોકસો કોર્ટે કરતાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૬માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુ રાયસંગભાઈ પઢિયારે ચાર વર્ષનો બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યાંથી તેને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને ગામ તળાવ પાસે આવેલ દરગાહ પાછળ બાવળની ઝાડીઓમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધ દુષ્કર્મ આચરી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. જે બનાવ બાબતની ફરિયાદ વેડચ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વેડચ પોલીસે આરોપી વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૦૨ તથા બાળકોને જાતિય સતામણીથી રક્ષણ આપતા કાયદાની કલમ ૪ અને ૬ મુજબનો ગુનો નોંધી આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ તૈયાર કરી કેસ ભરૂચના એડિશનલ સેશન્સ જજ એચ.એ. દવેની કોર્ટમાં ચાલવા માટે આવ્યો હતો. જેમાં સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર.જે. દેસાઈએ હાજર થઈ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે દલીલો કરી હતી. દલીલો ગ્રાહ્ય રાખવામાં આવતા સ્પેશિયલ પોકસો જજ એચ.એ. દવે દ્વારા આરોપી શભું રાયસંગભાઈ પઢિયાર (રહેવાસી પીલુદ્રા જંબુસર)ને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સહિતની કલમ ૩૦૨ હેઠળ દેહાંત દંડ યાને ફાંસીની સજા તથા દંડ સહિતની કલમ ૩૬૪ હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂપિયા ૧૦ હજાર દંડ અને દંડના ભરે તો વધુ ૧ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો તેમજ બાળકોને જાતિય હિંસામાંથી રક્ષણ આપતા કાયદાની કલમ ૬ હેઠળ આજીવન કેદની સજા તથા રૂપિયા ૧૦ હજારનો દંડ અને દંડના ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવાનો હુકમ આજરોજ કરતા સનસનાટી મચી જવા પામી હતી.
શંભુએ બાળકના મોંઢે
બચકાં ભરી વિકૃત
માનસિકતા દર્શાવી
જંબુસરના પીલુદરા ગામે ચાર વર્ષના બાળક સાથે દુષ્કર્મ અને હત્યાના ચકચારી બનાવમાં નરાધમ શંભુ પઢિયારે બાળકને ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાની સાથે તેને મોઢાના ભાગે બચકાં ભરી લઈ અત્યંત વિકૃત માનસિકતા દર્શાવી હતી. આ હિચકારા બનાવમાં આરોપીની દહાંત દંડની સજા ઉપલી કોર્ટમાં યથાવત્ રાખવામાં આવે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે.