(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે કતારગામ પોલીસ મથકમાં જમીનના બોગસ દસ્તાવેજા બનાવવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદ આરોપીઓ દ્વારા આ એફઆઈઆર રદ કરવા સૂપ્રીમ કોર્ટમાં એક પીટીશન ફાઈલ કરી હતી. જેની સુનાવણીના બાદ એફઆઈઆર પર આગામી બે સપ્તાહ મનાઈ ફરમાવતો હુકમ કર્યો હોવાનું તેમના બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને અનિષ ખ્યાલીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ લક્ષ્મીકાંત આશ્રમના ગજેરા સ્કૂલ પાસે રહેતા ભારતીબેન મનહરભાઈ પટેલની જમીનના બોગસ દસ્તાવેજા બનાવી હડપ કરી લેવાના મામલે ખેડૂતે કતારગામ પોલીસ મથકના વસંત ગજેરા અને ચીનુ ગજેરા સામે એક અરજી આપી હતી. આ અરજી પર કોઇ નક્કર કાર્યવાહી ન થતા ખેડૂતને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેની સુનાવણી બાદ ગત તા. ૧૨મી માર્ચના રોજ આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવાના હુકમ સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના હુકમને ચેલેન્જ કરી એફઆઈઆર રદ કરવાની માંગણી કરી હતી. જેની સુનાવણી બાદ ૨૭મી એપ્રિલ સુધી એફઆઈઆર પર મનાઈ હુકમ આપ્યો હતો. આજની મુદ્દત પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવતા વધુ બે સપ્તાહ સુધી એફઆઈઆર પર સ્ટે ફરમાવતો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર.કે. અગ્રવાલ અને અભયકુમાર સાપરેની કોર્ટમાં સિનીયર કાઉન્સિલર મુકુલ રોહતગીએ દલીલો કરી હતી.