(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના વેરરોડ વિસ્તારમાં આવેલી ધ્રૃવતારક સોસાયટીમાં ગત ૧૦મી એપ્રિલના રોજ હીરાના કારખાનામાંથી ૧ લાખના તૈયાર કાચા હીરાની ચોરી થઈ હતી. આ આરોપમાં ઝડપાયેલ કલીગર ભરત પાદરિયા ગતરોજ કતારગામ પોલીસ લોકઅપમાંથી નાસી છૂટયો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી જિલ્લાના દેવરિયા ગામનો મૂળ રહેવાસી ભરત છના પાટરિયા વેડરોડની ધૃવતારક સોસાયટીમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. ગત ૧૦મી એપ્રિલના રોજ દિનેશ પાદરિયાના હીરાના કારખાનામાંથી ૧ લાખની કિંમતના તૈયાર કાચા હીરાની ભરત અને અન્ય એક રત્નકલાકાર ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે બે દિવસ અગાઉ આરોપી ભરત છના પાદરિયાની ધરપકડ કરી હતી ગત રોજ કતારગામ પોલીસ મથકના લોકઅપમાં ભરત પાદરિયાને રાખવામાં આવ્યો હતો. ત્યારે છાતીમાં દુઃખાવ ઉપડ્યો હોવાના બહાને ભરતે લોકઅપમાંથી બહાર કાઢવાની અજીજી કરી હતી પોલીસ કર્મચારીએ માનવતાના ધોરણે લોકઅપમાંથી બહાર કાઢીને ભરત પાદરિયાને પંખાના નીચે હવા ઉજાસમાં બેસાડ્યો હતો. મોકાનો ગેરલાભ લઈને ભરત પાદરિયા પોલીસની નજર ચૂકવી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે કતારગામ પોલીસે આરોપી નાસી છુટયો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.