(એજન્સી) તા.૨૭
જો નરેન્દ્ર મોદી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવશે તો ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી નીતિશકુમારના જદયુ ચૂંટાવાની બહુ ઓછી શક્યતા છે. આથી જદયુએ ભાજપ વિરુદ્ધ ચૂપકે ચૂપકે કામ કરવાની શરુઆત કરી દીધી છે. ચોમેરથી ઘેરાયેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને હવે આ એક માત્ર શક્યતા પર આશા રાખીને બેઠા છે.
આ શક્યતા એટલે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો પરાજય. જો આવું થશે તો ૨૦૨૦ની બિહારની વિધાનસભા ચૂંટણીમાં પુનઃ સત્તારુઢ થવાની જનતાદળ-યુની શક્યતા થોડી વધી જાય છે. આથી જનતાદળ(યુ)એ કમસેકમ બિહારમાં ભાજપનો પ્રભાવ ઘટાડવા માટે એક રણનીતિ પર ચૂપચાપ કામ શરુ કરી દીધું છે. નીતિશ જાણે છે કે જ્યારે કોંગ્રેસ શાસિત યુપીએ કેન્દ્ર ખાતે સત્તામાં હતી ત્યારે તેઓ એક શક્તિશાળી મુખ્યપ્રધાન હતા. નીતિશ હવે એવી ગણતરી કરી રહ્યા છે કે મે,૨૦૧૯માં નરેન્દ્ર મોદીનો પરાજય બિહારની આગામી ચૂંટણી પૂર્વે પોતાની ઇમેજ બદલવા માટે તેમને ૧૮ મહિનાનો સમય આપશે. જો ૨૦૧૯માં ભાજપનો પરાજય થશે તો બિહારમાં સંઘ પરિવારના તમામ આગળ પડતા માથાઓ ફેંકાઇ જશે અને આથી નીતિશને બિહારમાં પોતાને પ્રસ્થાપિત કરવાની તક મળશે. તેમને મુખ્યત્વે બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીનો ટેકો મળવાની મોટા ભાગે શક્યતા છે. સુશીલકુમાર મોદી ભાજપના હોવા છતાં ભગવા સંગઠનમાં ઘણા લોકો હજુ તેમને ધિક્કરે છે. જો ૨૦૧૯માં નીતિશનો પરાજય થશે તો તેઓ પોતાના પક્ષથી મોં ફેરવીને ચાલ્યા ગયેલા મુસ્લિમો, દલિતો અને અન્ય પછાત જ્ઞાતિઓનો સ્નેહ પુનઃ સંપાદિત કરવાનો પ્રયાસ કરશે. નીતિશ જાણે છે કે તેમણે હાલ સ્થિતિ સાથે ખૂબ જ સતર્કતાથી કામ લેવું પડે તેમ છે અન્યથા તેમની ઝુંબેશ બેકફાયર થશે. વર્ષ દરમિયાન નીતિશકુમાર લો પ્રોફાઇલ રાખીને એનડીએને નુકસાન થશે એવું કંઇ કરશે નહીં. કેન્દ્ર ખાતે નરેન્દ્ર મોદી સરકારના પરાજય બાદ નીતિશ પોતાનો અસલી કલર બતાવશે. ત્યારબાદ નીતિશ પોતાને બિહારમાં મુખ્યપ્રધાન પદના સબળ ઉમેદવાર તરીકે પ્રચાર અભિયાનમાં પેશ કરશે. એમાંય જો રાજદના વડા લાલુ યાદવ જેલમાં રહેશે તો તેમનું કામ વધુ સરળ બની જશે. જો કે નીતિશ માટે એક સમસ્યા ઊભી થઇ શકે છે કે લોકસભામાં એનડીએના પરાજયને કારણે જદયુના મોટા ભાગના ધારાસભ્યો રાજદ કોંગ્રેસ છાવણીમાં પક્ષાંતર કરવાની કોશિશ કરે પણ ખરા. હાલ તો ભાજપ અને જદયુ એક બીજાને પ્રતિકૂળ સાથીઓ છે. બંને એકબીજા વિરુદ્ધ પોતાની રણનીતિ ઘડવા તૈયારીઓ કરી રહ્યા છે.