(એજન્સી) તા.૨૭
સગીરા પર દુષ્કર્મના જે કેસમાં આસારામને બુધવારે જન્મટીપની સજા થઇ તે કેસની ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના એક સાક્ષીએ કોર્ટ સમક્ષ આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે આસારામનું એવું માનવું હતું કે તેના જેવા ‘બ્રહ્મજ્ઞાની’ને છોકરીઓનું જાતીય શોષણ કરવાથી કોઇ પાપ લાગતું નથી. આસારામના અનુયાયી રહેલા રાહુલ સાચર નામના આ સાક્ષીએ એમ પણ કહ્યું હતું કે આસારામ જાતીય શક્તિવર્ધક દવાઓ પણ લેતો હતો તથા અફીણનું સેવન પણ કરતો હતો. રાહુલ એક સમયે આસારામની ખૂબ નજીક હતો અને તેને આસારામની કુટિયામાં પ્રવેશવાની પણ મંજૂરી હતી. તેના કહેવા પ્રમાણે, ૨૦૦૩માં તેણે આસારામના અમદાવાદ, પુષ્કર અને ભિવાનીના આશ્રમોમાં તેને છોકરીઓની છેડતી કરતો જોયો હતો. એક સાંજે અમદાવાદના આશ્રમમાં તેણે આસારામની કુટિયાની દીવાલ પર ચઢીને જોયું તો આસારામ એક છોકરીની છેડતી કરી રહ્યો હતો. આ બાબતે તેણે આસારામને બે વખત પત્ર લખી પૂછ્યું હતું પણ કંઇ જવાબ ન મળતાં તેણે એક દિવસ કુટિયાની અંદર જઇને આસારામને પૂછ્યું કે તે શા માટે તેના સવાલનો જવાબ નથી આપતા ? ત્યારે આસારામે તેને એમ કહેલું કે, ‘બ્રહ્મજ્ઞાની કો યહ સબ કરને સે પાપ નહીં લગતા.’ રાહુલે ત્યારે તેમને વળતો સવાલ કર્યો હતો કે બ્રહ્મજ્ઞાનીને આવી ઇચ્છાઓ કેવી રીતે થઇ શકે ? આ સવાલ સાંભળી આસારામ કુટિયાના અંદરના રૂમમાં જતા રહ્યા અને પોતાના માણસોને રાહુલને કુટિયાની બહાર કાઢી મૂકવાનો આદેશ કર્યો હતો. જોકે બીજી બાજુ આસારામની હવસનો શિકાર બનેલી સગીરાના પિતાએ જણાવ્યું કે કેસનો બુધવારે ચુકાદો આવી ગયા બાદ તેમની દીકરી રાત્રે શાંતિપૂર્ણ રીતે સૂઇ શકી. તેમના કહેવા મુજબ, ચુકાદો આવ્યા બાદ તેમની દીકરીએ કહ્યું કે, હું ઈશ્વરનો આભાર માનું છું કે તેણે આખરે ન્યાય કર્યો અને ઢોંગી બાબાને તેનાં કર્મોની સજા મળે તે સુનિશ્ચિત કર્યું. પીડિતાના પિતાનું કહેવું હતું કે તેમની દીકરી આખી રાત શાંતિથી સૂતી રહી. તેના પર દુષ્કર્મની ઘટના પછી આખા પરિવારની ઊંઘ હરામ થઇ ગઇ હતી.