અમરેલી, તા.૨૭
બિટકોઈન કેસમાં પકડાયેલ અમરેલી જિલ્લા પોલીસ વડાને ફાંસી સુધીની સજા કરવા બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે માગણી કરી છે. અમરેલી જિલ્લાના પોલીસ વડા એલસીબીના પીઆઈ અને એસઓજી સ્ટાફ, રાજકીય આગેવાનો બિટકોઈન તેમજ ખંડણી પ્રકરણમાં સંડોવણી બદલ ધરપકડ કરાતા તેના રાજકીય ક્ષેત્રે ઘેરા પડઘા પડ્યા છે. પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓએ જે રીતે લૂંટ ચલાવી તેનાથી શરમથી માથું ઝૂકી જાય છે. આ પ્રકરણમાં જે કોઈ પણ સંડોવાયેલ હોય તેને જેલ હવાલે કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બિટકોઈન પ્રકરણમાં માત્ર અમરેલી જિલ્લો નહીં પરંતુ સુરતમાં રોજગારી મેળવવા ગયેલા યુવાનો બરબાદ થયા છે. બિટકોઈન લેવેચ કરનારા લોકો પાસેથી અમરેલીના એસપીએ ગેરકાયદેસર પોલીસનો ઉપયોગ કરી જે લૂંટ ચલાવી છે. તેને જરા પણ બક્ષી શકાય તેમ નથી જે કોઈ પદાધિકારી કોઈપણની સંડોવણી હોય તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા ઠુમ્મરે માગણી કરી છે. આઈપીએસ અધિકારી કાયદાના પુરા જાણકાર છે. પોલીસ એક્ટની તમામ કલમોથી વાકેફ હોવા છતાં જે લૂંટ ચલાવી છે તેમને ફાંસીથી ઓછી સજા ન હોઈ શકે તેવું લોકો માની રહ્યા છે. જેને ઠુમ્મરે પણ સમર્થન આપ્યુું છે. આથી, સજા આપવા માટે આકરી કલમ લગાવવામાં આવશે તો જ ગુજરાત ઉપર અને પોલીસ ઉપર લાગેલો કાળો ડાઘ અને કલંકિત થયેલ ગુજરાતની સરકારમાં થોડી વિશ્વસનિયતા ઊભી થશે તે માટે સરકારે અને ગૃહખાતાએ તેમજ સીઆઈડી ક્રાઈમ અને સીઆઈડી વિભાગે આગળ આવવું જરૂરી દેખાય છે.