કોલકાતા, તા.ર૭
ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયેલ બોલ ટેમ્પરીંગ વિવાદને ધ્યાનમાં રાખીને આઈસીસીએ આચારસંહિતાનું ઉલ્લંંઘન કરનાર ખેલાડીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે દંડ આનો વિકલ્પ નથી અને અનિલ કુમ્બલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સમિતિ સજાની હાલની જોગવાઈની સમીક્ષા કરી સુચન આપશે જે ડબલિનમાં ર૭ જૂનથી ત્રણ જુલાઈ સુધી યોજાનાર આઈસીસીના વાર્ષિક સંમેલનમાં મૂકવામાં આવશે. રિચર્ડસને આઈસીસીની પાંચ દિવસીય બેઠકના સમાપનના પ્રસંગે કહ્યું કે અમે બોલ ટેમ્પરીંગ અને આવા બધા મામલામાં આકરી સજાની જોગવાઈ કરવા માંગીએ છીએ. જેમાં વિરોધી ટીમ, ખેલ અમ્પાયરો, પ્રશંસકો અને મીડિયા પ્રતિ સન્માનનો અભાવ દેખાય છે. તેમણે કહ્યું કે અમે ક્રિકેટ સમિતિને આની સમીક્ષા કરવા કહીશું. કુમ્બલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સમિતિમાં એલન બોર્ડર, શોન પોલોક, કોર્ટની વોલ્થ અને રિચી રિચર્ડસન છે.